BREAKING NEWS

મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં ઘૂસેલા IBના બે અધિકારીની પોલ ખૂલી: નેતાઓએ મોબાઈલ ચેક કરતાં અશ્લીલ વીડિયો મળ્યા, ઉધડો લઈને હાંકી કાઢ્યા

  • June 01, 2026 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહેસાણામાં યોજાયેલી પ્રદેશ કોંગ્રેસ સમિતિની સમીક્ષા બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારીઓ પહોંચતા એક મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની ચૂંટણી પછીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક અત્યંત મહત્વની અને ગુપ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હાઈપ્રોફાઈલ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિધાનસભાના વિપક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના તમામ ઉચ્ચ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ આંતરિક બેઠક દરમિયાન કોંગ્રેસની રણનીતિ અને ભેદ જાણવા માટે આવેલા આઈબીના બે અધિકારીઓની ભારે પોલ ખૂલી ગઈ હતી. બેઠકની શરૂઆતમાં જ્યારે માત્ર પત્રકારોને વિઝ્યુઅલ્સ (ફોટો-વીડિયો) લેવા માટે અંદર બોલાવવામાં આવ્યા, ત્યારે પત્રકારોની આડમાં આઈબીના બે કર્મચારીઓ જયેન્દ્રભાઈ અને દક્ષાબેન પણ પરવાનગી વગર અંદર પ્રવેશી ગયા હતા. તેઓ ત્યાં છૂપી રીતે બેઠકનો વીડિયો ઉતારતા હતા. આ દરમિયાન ત્યાં હાજર કોંગ્રેસના કેટલાક નેતાઓને તેમના પર શંકા ગઈ હતી. નેતાઓએ તુરંત જ બંનેને પકડી પાડ્યા હતા અને તેમનો મોબાઈલ આંચકીને ચેક કર્યો હતો. મોબાઈલ તપાસતા જ નેતાઓ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે જયેન્દ્રભાઈ નામના આઈબી અધિકારીના ફોનમાંથી કોંગ્રેસની બેઠકના વીડિયો ઉપરાંત અસંખ્ય આપત્તિજનક પોર્ન (અશ્લીલ) વીડિયો મળી આવ્યા હતા.


મોબાઈલમાંથી આવી સામગ્રી મળતા જ બેઠકમાં હાજર નેતાઓનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લાલચોળ થઈને કડક શબ્દોમાં કહ્યું કે, "પેલા વીડિયો ડિલીટ કરો! તમને અંદર આવવાનું કોણે કીધું?". આ સમયે પકડાઈ ગયેલા આઈબીના કર્મચારીઓ ડરી જઈને વારંવાર 'સોરી, સોરી' કહેવા લાગ્યા હતા. કર્મચારીઓને માફી માંગતા જોઈ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર વધુ ગુસ્સે ભરાયા હતા અને આક્રોશમાં બોલ્યા કે, "શું સોરી સોરી? પણ શેનું સોરી? પેલા વીડિયો ડિલીટ કરો!". અમિત ચાવડાએ પણ ઉગ્ર સવાલ કર્યો હતો કે, "અમારી પરમિશન વગર તમે અંદર કેમ આવ્યા અને અમારો વીડિયો કેમ ઉતારો છો?". આ દરમિયાન જગદીશ ઠાકોરે આઈબી તંત્ર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "આવી નોકરીઓ છોડીને ભાજપનો ખેસ પહેરી લો ને! અમારા કમ્પાઉન્ડમાં આવીને તમે લોકો કેમ આવું કરો છો?".


આ સમગ્ર શરમજનક ઘટના અંગે મીડિયાને વધુ માહિતી આપતા મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ભારે આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર ઓફિસમાં ઘૂસી આવેલા આ સરકારી કર્મચારીઓનો જ્યારે ફોન તપાસવામાં આવ્યો, ત્યારે તેમાંથી અત્યંત બિભત્સ અને અશ્લીલ વીડિયોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે સરકારી ઓન-ડ્યુટી કર્મચારી હોવા છતાં તેમના ફોનમાંથી એવા વીડિયો મળ્યા છે જે કોઈ સભ્ય સમાજમાં જોઈ કે સાંભળી પણ શકાય તેમ નથી. કોંગ્રેસ નેતાઓએ આ બાબતને રાજ્ય સરકાર અને પોલીસના આઈબી વિભાગ માટે એક મોટો કલંક ગણાવી હતી.


અંતે કોંગ્રેસના નેતાઓએ કડક વલણ અપનાવીને આઈબીના કર્મચારીઓ પાસેથી કોંગ્રેસની બેઠકના તમામ વીડિયો સ્થળ પર જ ડિલીટ કરાવ્યા હતા અને તેમનો જોરદાર ઉધડો લઈને તેમને કાર્યાલયના કમ્પાઉન્ડમાંથી બહાર હાંકી કાઢ્યા હતા. વિપક્ષની ખાનગી બેઠકોમાં આ પ્રકારે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવાના મુદ્દે હવે કોંગ્રેસે સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે અને આ ઘટના સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application