નસેડીએ યુવતીને ઠોકર મારી ભાગવા જતાં કાર સાંઢીયા પુલ પાસે પલટી

  • November 24, 2023 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજની અકસ્માતની ઘટના બાદ રાજ્યભરમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવનાર વાહન ચાલકો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. પરંતુ તેમછતાં કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન પુરપાટ ઝડપ ચલાવી નિર્દોષ લોકોને ઇજાથી લઈ મૃત્યુ નીપજવાના કિસ્સાઓ બનતા રહે છે. ત્યારે રાજકોટમાં ગઈકાલ રાત્રિના કંઈક આવી જ ઘટના બની હતી. શહેરના સાંઢિયા પુલ અને રેલવે કોલોની વચ્ચે કાર ચાલકે એકટીવા પાસે ઉભેલી યુવતીને ઠોકરે લેતા ઇજા પહોંચી હતી.બાદમાં નાસી જવાની ફિરાકમાં કારચાલકે પોતાની કાર હંકારી મુકતા કાર પલટી ખાઈ ગઈ હતી.દરમીયાન અહીં લોકો એકત્ર થઇ જતા બનંને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.પોલીસે તપાસ કરતા બંને પિઘેલા હોવાનૂં અને કારમાં દારૂની બોટલ પણ મળી આવી હતી.આ અંગે પોલીસે અલગ અલગ ત્રણ ગુના દાખલ કયર્િ છે. બીજી તરફ કાર સવાર સુધી કાર અહીં જ પડી હોય અહીં ટ્રાફિકજામ થઈ ગયો હતો.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાત્રિના પુરઝડપે ધસી આવેલા કારે એકટીવા સવાર યુવતીને અડફેટે લીધી હતી અકસ્માત સજીર્ કારચાલક નાસી જવાની ફિરાકમાં પોતાનું વાહન ઝડપે હંકારી મૂક્યું હતું દરમિયાન તેણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પુલ પાસે તેની કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં સુમિતકૌર મનપ્રીતસિંઘ ચૌધરી (ઉ.વ 32 રહે.બજરંગવાળી શેરી નંબર 2) નામની યુવતીને ઇજા પહોંચી હોય તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બીજી તરફ અકસ્માતની આ ઘટનાના પગલે ગાંધીગ્રામ પોલીસ બનાવસ્થળે દોડી આવી હતી.


અકસ્માતની આ ઘટના અંગે યુવતીના પતિ મનપ્રીતસીંધની ફરિયાદ પરથી કાર ચાલક આશિષ નાનજીભાઇ સાકરીયા(ઉ.વ 33 રહે.બાપાસીતારામ ચોક ખોડીયારનગર મવડી) સામે અકસ્માત સર્જવા અંગે જયારે પોલીસમેન રણજીતભાઇ રામજીભાઇની ફરિયાદ પરથી કારચાલક આશિષ સામે દારૂ પી કાર ચલાવવા અંગે તથા કારમાંથી દારૂની બોટલ મળી આવી હોય તે અંગે પ્રોહીબીશન એટક અને તેની સાથે રહેલા તેના મિત્ર ફારૂક રજાકભાઇ શાહમદાર(ઉ.વ 43 રહે. ભગવતી સોસાયટી દુધસાગર રોડ) સામે દારૂ પીધા અંગેનો કેસ કર્યો છે.


અકસ્માતના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, રાત્રિના અકસ્માતમા ઘવાયેલી યુવતી સુમીતકૌર રાત્રીના તેના પતિ સાથે ગયા બાદ અહીં રેલનગર વિસ્તારમાં બજરંગ હોટલ પાસે તેનો પતિ કોઇ વસ્તુ લેવા ગયો હતો અને તેણી અહીં મોપેડ પાર્ક કરીને બેઠી હતી ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા આ કારચાલકે તેને હડફેટે લીધી હતી.


પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત સર્જાયા બાદ આશિષે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી. દરમિયાન અહીં સાંઢિયા પુલ પાસે તેની કાર પલટી ખાઈ ગઈ હતી. જેથી અહીં લોકો એકત્ર થઈ જતા તેમણે આ બંનેને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.કારચાલક આશિષ કોન્ટ્રાક્ટરનો ધંધાર્થી હોય અને હાલ તેનો વ્યવસાય મુંબઈ ચાલતો હોય ત્રણ દિવસ પૂર્વે તે અહીં રાજકોટ આવ્યો હતો અને દૂધસાગર રોડ પર રહેતા તેના મિત્ર ફારૂકને મળવા ગયો હતો.બાદમાં બંને કારમાં લટાર મારવા નીકળ્યા હતા અને ચાલુ કારે જ દારૂની મહેફીલ માણી રહ્યા હતા બાદમાં તે ફારૂકને તેના ઘરે મૂકવા જવાનો હતો ફારૂકને દૂધસાગર રોડ પર ઈંડાની લારી હોય બંને અહીં નાસ્તો કરવા પણ જવાના હતા તે પૂર્વ જ અકસ્માતની આ ઘટના બની હતી. પોલીસે બંને દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા તે અંગે વધુ પુછતાછ હાથ ધરી છે. બનાવાની વધુ તપાસ પીઆઇ એસ.એસ.રાણે ચાલાવી રહ્યા છે.રાત્રિના સાંઢિયા પુલ પાસે કાર પલટી ખાઈ ગયા બાદ સવાર સુધી કાર અહીં જ પડી હોય આજરોજ સવારના સુમારે અહીં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેથી પોલીસે તાકીદે અહીં પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application