વાવાઝોડા બાદની કાલાવડ તાલુકાની સ્થિતિનો તાગ મેળવવા કૃષિમંત્રીએ બેઠક યોજી

  • June 22, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ ટાઉનહોલ ખાતે યોજાયેલ બેઠકમાં મંત્રીએ વિવિધ વિભાગના અધિકારીઓ અને આગેવાનો પાસેથી વાવાઝોડા બાદની કામગીરી અંગે માહિતી મેળવી

રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે બિપરજોય વાવાઝોડા બાદની કાલાવડ તાલુકાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે વિવિધ વિભાગના અધિકારીઓ અને આગેવાનઓ સાથે બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં પીજીવીસીએલના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી, આગેવાનો અને તંત્ર દ્વારા વાવાઝોડા બાદ કરવામાં આવેલી કામગીરીની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં.
આ બેઠકમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના ખતરાના પરિણામે સરકાર દ્વારા આગોતરું આયોજન કરી વાવાઝોડાથી અસરગ્રસ્ત તમામ જિલ્લાઓમાં પ્રભારી મંત્રી અને કેન્દ્રના મંત્રીઓની નિમણુક કરવામાં આવી હતી તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કાલાવડ તાલુકામાં ૧૪૯૭ લોકોનું સ્થળાંતર કરાયું હતું જેમાંથી મોટાભાગના લોકોને કેશડોલ ચૂકવવામાં આવ્યા છે. છ જેટલા કાચા મકાનોને નુકશાન થયા તે લોકોને પણ સહાય ચૂકવી દેવામાં આવી છે. ભારે પવનના પરિણામે વીજ વાયરો અને વીજ થાંભલાઓ તૂટી જવાના લીધે વીજળીની સમસ્યા સર્જાઈ હતી. પરંતુ  દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અને વીજળીને લગતા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. સરકાર દ્વારા જામનગર જિલ્લામાં પણ બહારથી  ટીમો ફાળવવામાં આવી છે. જેથી કરીને લોકોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ આવી શકે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે સંપર્કમાં રહીને વાવાઝોડાની પળેપળની માહિતી મેળવી સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીના પરિણામે વાવાઝોડાના પરિણામે એક પણ માનવ મૃત્યુ થયું નથી. અને ઝીરો કેઝ્યુલિટીનો ધ્યેય સાચા અર્થમાં સાબિત થયો છે. તે બદલ વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાલાવડ તાલુકામાં વાવાઝોડાના પરિણામે લોકોની સમસ્યાઓનું નિવારણ લાવી શકાય તે માટે મંત્રીએ લોકોની રજૂઆતોનો સાંભળીને તાત્કાલિક ઉકેલ લાવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું. આ બેઠકમાં બાંધકામ સમિતિના ચેરમેન જગદીશભાઈ સાંગાણી, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ શહેર પ્રમુખ હસમુખભાઈ વોરા,  જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા, નરવીજયસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી ગોહેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, પ્રોબેશનલ આઈ.એ.એસ. પ્રણવ, વિવિધ વિભાગના અધિકારીઓ, સરપંચઓ, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application