વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલ સ્ટોરીએ શાહરુખ, રણબીર, દેવગણની ફિલ્મોને પાછળ કરી

  • May 09, 2023 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



  • વડાપ્રધાને ફિલ્મના વખાણ કર્યા બાદ અદા શર્માની ફિલ્મને 8.3 IMDb રેટિંગ મળ્યું
  • આતંકવાદ પરની 40 કરોડામાં બનેલી ફિલ્મે બે દિવસમાં કરી લીધી 20 કરોડની કમાણી


અદા શર્માની ફિલ્મ ધ કેરલ સ્ટોરીની એક તરફ ઘણી ટીકા થઈ રહી છે તો બીજી તરફ તેને પસંદ કરનારા અને જોવા જનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. આ ફિલ્મનું બજેટ લગભગ 40 કરોડ છે, જેણે બે દિવસમાં 20.53 કરોડનું કલેક્શન કર્યું છે. એટલું જ નહીં આ ફિલ્મનું IMDb રેટિંગ પણ તેના દમ વિશે જણાવે છે.

 

2023માં રિલીઝ થયેલી લગભગ તમામ ફિલ્મો કરતાં  ધ કેરલા સ્ટોરીનું IMDb રેટિંગ વધુ છે.  રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મને અત્યાર સુધીમાં 19 હજારથી વધુ વોટ મળ્યા છે, જેના આધારે તેને 10માંથી 8.3 રેટિંગ મળ્યું છે. ફિલ્મને પૂરા 10 રેટિંગ આપનારા યુઝર્સની સંખ્યા 80 ટકાથી વધુ છે.

થોડા દિવસો પહેલા રિલીઝ થયેલી ઐશ્વર્યા રાયની ફિલ્મ પોનીયિન સેલ્વન 2નું રેટિંગ ધ કેરલા સ્ટોરીની સૌથી નજીક છે જેને 8.2 રેટિંગ મળ્યું છે. 'પોનીયિન સેલ્વન 2' એ 10 દિવસમાં 250 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે અને તે 300 કરોડ તરફ આગળ વધી રહી છે. શાહરૂખ ખાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'પઠાણ' રેટિંગના મામલે ઘણી પાછળ છે, તેનું રેટિંગ માત્ર 6.0 છે. અને આ બંને ફિલ્મ તેના કરતાં આગળ છે.


આ વર્ષે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ તુ જૂઠી મેં મક્કરને 6.4 રેટિંગ મળ્યું હતુ. રાની મુખર્જીની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે'ને 7.4 રેટિંગ મળ્યું છે. એ અલગ વાત છે કે ફિલ્મને જોવા માટે દર્શકો જ ન મળ્યા. તેથી આવા રેટિંગની વિશ્વસ્નીયતા પર સવાલ થાય છે.


 અજય દેવગનની 'ભોલા'ને 7.7 પણ પઠાન કરતા વધુ રેટિંગ મળ્યું હતું જે બોક્સ ઓફિસ પર પછડાઇ ગઇ. તમામ વિવાદો વચ્ચે ધ કેરળ સ્ટોરી 5 મેના રોજ રિલીઝ થઈ હતી. લોકોએ ફિલ્મના ટીઝર સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે દક્ષિણના રાજ્યમાંથી 32,000થી વધુ મહિલાઓને આતંકવાદી સંગઠન ISISમાં ભરતી કરવામાં આવી છે. ત્યાર બાદ આ આંકડો દૂર કરી દેવો પડ્યો હતો.


આના આધારે કેરળ હાઈકોર્ટમાં ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ની રિલીઝ પર પ્રતિબંધ લગાવવા માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કરી દીધો હતો. હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે ફિલ્મના ડિસ્ક્લેમરથી સ્પષ્ટ થાય છે કે તે કાલ્પનિક વાર્તા પર આધારિત છે. સુદીપ્તો સેનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પર કેરળ બાદ પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના લીધે રાજકારણ ગરમાયું છે.



કારણ કે વડાપ્રધાન મોદીએ આ ફિલ્મના વખાણ કર્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકારે ફિલ્મ પર બેન મૂકતા કેન્દ્રીય મંત્રીઓ ટીકા કરી રહ્યા છે. અગાઉ આવું વાતાવરણ કાશ્મીક ફાઇલ્સ વખતે પણ ઉભુ થયું હતું અને નોંધપાત્ર ન હોવા છતાં ફિલ્મ ઉન્માદને કારણે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે 250 કરોડની કમાણી લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application