જામનગર: ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

  • December 20, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

ખેડૂતો તેમની ઉપજને બચાવીને સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રત્યનશીલ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચણાના ઉભા પાકમાં લીલી ઈયલ જોવા મળે છે. ચણાના ઊભા પાકમાં લીલી ઈયળ સ્વરૂપે જોવા મળતા રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા- પગલા જાહેર કરવામાં આવ્યા છે.

   
આ માર્ગદર્શિકા મુજબ લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ ૦૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ કેરોમેન ટ્રેપ છોડથી ૦૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી હિતાવહ છે. ખેતરમાં વીઘે દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઈટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૦૧ થી ૦૨ ટીપા નાખવા, જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી કૂદીઓ પાણીમાં પડતા જ નાશ પામી શકે છે.

આ ઉપરાંત પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે તે માટે ઉભા પાકમાં અંગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-૫૦ની સંખ્યામાં છોડથી ૦૩ ફૂટ ઉંચાઇએ મુકવા જોઈએ. સાથે જ લીંબોળીનાં મીંજનું ૦પ ટકા દ્રાવણ ૫૦૦ ગ્રામ મીજનો પાવડર ૧૦ લિટર પાણીમાં ભેળવીને ૨ થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક રીતે નિયંત્રણમાં લાવી શકાય છે. લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી), નફફટીયાના પાન ૫૦૦ ગ્રામ, અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨ થી ૩ છંટકાવ કરવાથી આ રોગને અસરકારક રીતે કાબુમાં લઇ શકાય છે.

લીલી ઈયળના જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીન્સીસ ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા એક હેક્ટર માટે ર૫૦ રોગીષ્ટ ઈયળનું દ્રાવણ (એન.પી.વી.) બનાવી ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.

વધુમાં જરૂરીયાત જણાયેથી લીલી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં ૫૦ ટકા ફુલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ ૧૫ દિવસે ૨૦ મિ.લિ કિવનાલફોસ., ૦ર મિ.લિ. ફલુબેન્ડીયામાઈડ, ૧.૫ મિ.લિ. કલોરાન્ટ્રાનીલીપ્રોલ, ૦ર ગ્રામ ઈમામેકટીન બેન્જોએટ દવા ૧૦ લિ. પાણીમાં ભેળવીને છાંટવી જોઈએ. જ્યારે પાણીની અછતવાળા વિસ્તારમાં ચણાના પાકમાં ૧.૫ ટકા ભુકી કિવનાલફોસ ૨૫ કિ.ગ્રા પ્રતિ હેકટરના પ્રમાણમાં છાંટવાથી હકારાત્મક પરિણામ મળે છે. દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ખેડૂતોએ આ અંગે વધુ જાણકારી માટે જે તે વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક અથવા નાયબ ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
​​​​​​​




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application