હિમાચલ પ્રદેશમાં સંજૌલી મસ્જિદ વિવાદ સામે દેવભૂમિ સંઘર્ષ સમિતિનો વિરોધ, કરી આ માંગ

  • September 28, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




હિમાચલ પ્રદેશમાં મસ્જિદ વિવાદ પર ગઈકાલની સદ્ભાવના કૂચ બાદ આજે દેવભૂમિ સંઘર્ષ સમિતિ વિરોધ કરી રહી છે. સમિતિએ મસ્જિદ મુદ્દે તમામ 12 જિલ્લાઓમાં દેખાવો કરવાની અપીલ કરી છે. આ પ્રદર્શન જિલ્લા મુખ્યાલયમાં 11:30 કલાકે શરૂ થયું છે. આ દરમિયાન સંજૌલીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની માંગ કરવામાં આવશે. સમિતિનો દાવો છે કે, સંજૌલીમાં મંજૂરી વગર પાંચ માળની મસ્જિદ બનાવવામાં આવી હતી.


સમગ્ર ઘટના અનુસાર, શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર કોર્ટમાં 5 ઓક્ટોબરે ગેરકાયદે મસ્જિદ કેસમાં સુનાવણી થવાની છે. દેવભૂમિ સંઘર્ષ સમિતિના પ્રમુખ મદન ઠાકુરે કહ્યું કે, પ્રદર્શન દ્વારા કોર્ટને મસ્જિદ અંગે વહેલો નિર્ણય આપવાની માંગ કરવામાં આવશે. આ પહેલા પણ 11 સપ્ટેમ્બરે લોકોએ હિંસક પ્રદર્શન કર્યું હતું.


5 ઓક્ટોબરે આવશે પરિણામ


સંઘર્ષ સમિતિએ પહેલેથી જ ચેતવણી આપી છે કે, જો 5 ઓક્ટોબરે નિર્ણય નહીં લેવાય તો લોકો આ મામલે રસ્તા પર ઉતરશે. સંજૌલી મસ્જિદ કેસને લઈને 11 સપ્ટેમ્બરે હિંદુ સંગઠનોએ શિમલામાં હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી રાજ્યના મોટાભાગના શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વેપારીઓએ 2 થી 3 કલાક બજાર બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો.


મુસ્લિમ સમુદાયનું નિવેદન


13 સપ્ટેમ્બરના રોજ, સંજૌલી મસ્જિદ કમિટી મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને મળી હતી અને કોર્ટના નિર્ણય પર મસ્જિદના ગેરકાયદેસર ભાગને તોડી પાડવાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે જો કોર્ટ મસ્જિદને ગેરકાયદેસર જાહેર કરશે તો મસ્જિદ સમિતિ પોતે જ ગેરકાયદે બાંધકામ તોડી પાડશે. કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી ગેરકાયદેસર ભાગ સીલ કરી દેવામાં આવ્યો હતો. આ પછી મસ્જિદ વિવાદ થોડો શાંત થયો છે. પરંતુ હિંદુ સંગઠનો મસ્જિદ તોડવાની તેમની માંગ પર અડગ છે.


પાંચ માળની મસ્જિદ બનાવવાનો દાવો


મુસ્લિમ સમુદાયના જણાવ્યા અનુસાર, સંજૌલીમાં મસ્જિદ આઝાદી પહેલા બનાવવામાં આવી હતી. પણ ત્યારે આ મસ્જિદ બે માળની હતી. તેનો કેસ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં 45 વખત સુનાવણી થઈ છે. મસ્જિદના ગેરકાયદે બાંધકામને રોકવા માટે મહાનગરપાલિકાએ મસ્જિદ કમિટીને 35 વખત નોટિસો આપી છે છતાં બાંધકામ બંધ થયું નથી.


હવે સ્થાનિક લોકોનો આરોપ છે કે, નાની ગીચ વસ્તીવાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો નમાઝ પઢવા આવે છે. તે દરમિયાન સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી સ્થાનિક લોકો ગેરકાયદે મસ્જિદનો ભાગ તોડી પાડવા માંગ કરી રહ્યા છે. શિમલાના સંજૌલીમાંથી ફાટી નીકળેલી ચિનગારી રાજ્યના અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application