મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજી બેઠક

  • July 25, 2024 11:10 PM 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવૉ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી 'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે રાહત-બચાવની કામગીરી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


મુખ્યમંત્રીએ નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે માહિતી મેળવી હતી. તેમણે પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ સફાઈ, દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ હાથ ધરવા સૂચનાઓ આપી હતી. 


આ ઉપરાંત મુખ્યંમત્રીએ વરસાદને પરિણામે જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર દ્વારા ચાલી રહેલ કામગીરીની વિગતો મેળવી હતી. તેમણે નુકસાનના કારણે બંધ થયેલા માર્ગો પરની આડશો હટાવી ત્વરાએ પુનઃ વાહન વ્યવહારયુક્ત બને તે માટે જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી.


મુખ્યમંત્રીએ રાજ્યમાં હાલની સ્થિતિએ જે જળાશયો, ડેમ પૂર્ણ કક્ષાએ ભરાઈ ગયા છે કે ભયજનક સપાટીએ છે તે વિસ્તારોના વરસાદ, ઉપરવાસના વરસાદનું સતત મોનિટરિંગ કરીને કમાન્ડ તથા કેચમેન્ટ વિસ્તારના લોકોની જાનમાલની સલામતીના પગલાં લેવા માટેની તાકીદ પણ કરી હતી. તેમણે માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ખેતીવાડી નુકસાન વગેરે કિસ્સામાં યોગ્ય સર્વે કરીને સહાય માટેના પ્રબંધો અંગે પણ ચર્ચા-વિચારણા હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application