કૃષિમંત્રીએ વિવિધ વિભાગોના પ્રશ્ર્નો અંગે અધિકારીઓની મીટીંગ યોજી

  • May 29, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંત્રીએ કલેકટર બી.એ.શાહની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં  માર્ગ અને મકાન વિભાગના કામો, સુજલામ સુફલામ યોજના, વોટરશેડ યોજના, ક્ષારઅંકુશ, સિંચાઇ વિભાગ, સૌની યોજનાના કામોની સમીક્ષા કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન,મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર બી.એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની ઉપસ્થિતમાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. મંત્રીએ  માર્ગ અને મકાન વિભાગના કામો, સુજલામ સુફલામ યોજના, વોટરશેડ યોજના,ક્ષારઅંકુશ,જિલ્લા પંચાયત સિંચાઇ યોજનાના કામોની સમીક્ષા, સૌની યોજનાનાના પાણી આપવા સંદર્ભેના કામોની સમીક્ષા કરી પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમાં મુખ્યત્વે  ખોજા બેરાજા ગામે પુલનું કામ, જાંબુડાથી ખીરી રસ્તો મંજૂર કરાવવો, ચાંપા બેરાજથી કનસુમરા ગામ સુધીનો નોન પ્લાન રસ્તો મંજૂર કરાવવો, ખીલોસથી હાઇવે સુધી રસ્તો બનાવવાની કામગીરીનું સ્ટેટસ,બેડ ગામે સીસી રોડ બનાવવો, ચંગા ગામે પુલના મંજૂર થયેલ કામોની સ્થિતિ, નાઘેડી ગામે સ્કૂલથી હાઇવે સુધીના રસ્તે સીસી રોડ બનાવવો જેથી ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય, નવા નાગના તથા જૂના નાગના વચ્ચે બ્રિજ બનાવવાની કામગીરી,સપડા ગણપતિના મંદિરથી હાઇવે સુધી રોડ બનાવવો, ગામડાઓમાં પેચવર્કના કામો કરવા,દરેડથી મસીતીયા રોડ પર સીસી રોડનું કામ, સચાણાથી સ્ટેટ હાઇવેના રસ્તાના વાઈડનિંગનું કામ, ખોજા બેરાજા-લોઠીયા જતાં રસ્તા પર માઇનોર બ્રિજ બનાવવા અંગેના કામો વિષે ચર્ચા વિચારણા કરી મંત્રીએ જરૂરી પરામર્શ કરી ચોમાસા પહેલા રોડ રસ્તાના કામો પૂર્ણ કરવા સૂચનો કર્યા હતાં.
સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે મંત્રીએ જે મુદ્દાઓ પર ચર્ચા કરી તેમાં સસોઇ ડેમ અને ફૂલઝર-૧ ડેમની કેનાલની કામગીરી, સપડા ચેકડેમનું રીપેર વર્ક પૂર્ણ કરવામાં આવ્યું, તળાવો ઊંડા કરવા તેમજ ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તે દિશામાં યોગ્ય કામગીરી કરવા જણાવ્યું હતું. ક્ષાર અને અંકુશ વિભાગના કામો જેમાં જોડિયા તાલુકાના દરિયા કાંઠે આવેલ રેકલેમેશનનો પાળો રીપેર કરાવવો, બાલંભા બંધારા યોજનાનો પાળો રીપેર કરાવવો, ખીમલીયા, જાંબુડા, જૂના મોખાણાં અને શેખપાટ ગામની બાજુમાં આવેલ ચેકડેમ રીપેર કરાવવાના કામોની માહિતી મેળવી મંત્રીશ્રીએ બાકી કામો ત્વરિત પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
ઊંડ અને જળ સિંચન વિભાગના કામો જેમાં જોડિયા તાલુકાના તરાણા ગામ પાસે આજીનદી પર સિંચાઇ ડેમના પેચિંગનું કામ, કેનાલોની કામગીરી, પુલિયા બનાવવાની કામગીરી કરવા અંગે મંત્રીએ અધિકારીઓને જરૂરી પરામર્શ કર્યા હતાં તેમજ સુજલામ સુફલામ અને અમૃત સરોવર યોજનાની કામગીરીની માહિતી મેળવી યોગ્ય દિશામાં આયોજન હાથ ધરી બાકી કામો પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application