પવનપુત્રના જન્મોત્સવને ઉજવવા હાલારના હનુમાન ભક્તોમાં થનગનાટ

  • April 22, 2024 10:30 AM 

કાલે મંગળવારનો શુભ સંયોગ: બેટ દાંડી હનુમાનજીથી જોડિયા બાલા હનુમાનજી મંદિર સુધી મારૂતિ નંદનનો થશે જય જય કાર...



હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂનમ તિથિએ હનુમાન મહોત્સવનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે હનુમાનજીના ભક્તોમાં વિશેષ ઉત્સાહ છે કારણ કે આ વખતે મંગળવારે જ જન્મોત્સવ આવ્યો છે. સમગ્ર હાલારના ભક્તજનો પવનપુત્રના જન્મોત્સવને વધાવવા થનગનાટ જોવા મળી રહ્યો છે,બેટ દ્વારકા દાંડી હનુમાન થી જોડિયા બાલા હનુમાનજી મંદિર સુધી રામ લલ્લાના વ્હાલા સેવકનો જયજયકાર થશે.


ઓખા-બેટથી જોડીયા, જામ કલ્યાણપુરથી જામજોધપુર સુધી અનેક હનુમાનજી મંદિરોમાં અનેકાનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ભક્તજનો દ્વારા કરવામાં આવ્યું છે.


હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રી રામ જય રામ જય જય રામ... ની આલેખ જગાવનાર પરમ પૂજય બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની તપોભૂમિ બેટ દ્વારકા ખાતે બિરાજમાન મકરધ્વજી મહારાજ-હનુમાનજી મહારાજ વિશ્વમાં એક માત્ર સ્થળે પિતા-પુત્ર બિરાજમાન છે ત્યાં સવારે 6.4પ વાગ્યે આરતી, 10 વાગ્યે ઘ્વજારોહણ, 11 વાગ્યે અન્નકુટ, બપોરે 1ર વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ઘ્વજાપૂજનના યજમાન શંકરભાઇ મીઠુભાઇ નંદા પરિવાર, ઓખા દ્વારા કરવામાં આવશે.


જામનગરના લીમડાલાઈન વિસ્તારના આસ્થા સમાન ૫૪ વર્ષ જુના લીંબડીયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષે ધર્મપ્રેમીઓ અને વેપારી એસો. દ્વારા પવનપુત્રના જન્મોત્વસ નિમિતે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવે છે, જેના ભાગરૂપે તા. ૨૩-૪ ચૈત્ર સુદ મંગળવારના શુભ દિવસે મારૂતી યજ્ઞ સવારે ૮ થી ૧, સાંજે ૫ થી ૭ સત્યનારાયણ ભગવાનની કથા, ૫ થી ૧૦ અન્નકોટ, સાંજે ૮ વાગ્યે મહાઆરતી, રાત્રે ૯ વાગ્યે બટુક ભોજન તેમજ રાત્રે ૯-૩૦ વાગ્યે આમંત્રીત વેપારી મીત્રોને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.


જામનગરના કિશાનચોક પાસે આવેલ ફુલીયા હનુમાનજી મંદિર, આર્યસમાજ સામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર, બાલા હનુમાન, વામન બાલા હનુમાન, કરોડોપતિ હનુમાન, પાતળીયા હનુમાન, ચોબરીયા હનુમાન, રોકડીયા હનુમાન, દાંડીયા હનુમાન, સૂર્યમુખી હનુમાન, કષ્ટભંજન હનુમાન, હઠીલા હનુમાનજી સહિતના મંદિરોમાં રામદૂત હનુમાનજીના જન્મોત્સવને વધામણાં કરવા સુંદરકાંડ, બટુક ભોજન, રામધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર જનસેવા દરેડ દ્વારા આવતીકાલે બાલા હનુમાન મંદિર પાસે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર " રામવાડી " ની પાવન તપોભૂમિમાં શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાના પાવન સન્મુખ તૅમજ પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી તથા રામવાડીના બ્રહ્મલિન મહંતશ્રી ભોલેદાસજીબાપુની તપોભૂમીમાં તારીખ : ૨૩ / ૪ / ૨૪ ને મંગળવારને શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વ સવારે ૭ : ૦૦ વાગ્યે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદાનું વિશેષ પૂજન અર્ચનવિધી બ્રાહ્મણો દ્વારા વડેરા પરિવાર દ્વારા કરવામાં આવશે તૅમજ સવારે ૮ થી  ૧૨ પાંચ કુંડનો હોમાત્મક યજ્ઞનો હોમાત્મક યજ્ઞ રાખેલ છે. જે યજ્ઞમાં સુંદરકાંડની પ્રત્યેક ચોપાઈ દ્વારા ભાઈઓ બહેનો  સામુહિકમાં આહુતિ આપશે ત્યારબાદ બપોરે ૧૨ : ૦૦ ક્લાકે ઢોલ નગારા અને ઝાલરો સાથે મહાઆરતી કરવામાં આવશે તૅમજ સવારે ૮ થી ૧૨ બાળકોનું બટુકભોજન રાખેલ છે.


આ ઉપરાંત બાલાચડી પાસે આવેલ ખીરી હનુમાન, કુન્નડ ખાતે આવેલ કુનડીયા હનુમાન તેમજ લતીપર અને હરિપરની સીમમાં બિરાજમાન ગોરડીયા હનુમાનજી મહારાજના મંદિરે પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application