કેપ વર્ડે સત્તાવાળાઓએ ચેપ ફેલાવાના ડરથી એમવી હોન્ડિયસ જહાજને કિનારે લાંગરવાની મંજૂરી આપી નથી. અંદાજે ૧૫૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સાથેનું આ જહાજ છેલ્લા કેટલાક દિવસોથી અધવચ્ચે દરિયામાં જ અટવાયું છે. સાવચેતીના ભાગરૂપે જહાજ પર સવાર તમામ લોકોને પોતપોતાના કેબિનમાં જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
કેવી રીતે ફેલાય છે આ સંક્રમણ?
WHO એ સ્પષ્ટતા કરી છે કે હંતા વાયરસ સામાન્ય રીતે ઉંદર જેવા સંક્રમિત કૃંતકોના સંપર્કથી ફેલાય છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં, ખાસ કરીને લાંબા સમય સુધી નજીકના સંપર્કમાં રહેવાથી મનુષ્યથી મનુષ્યમાં સંક્રમણ ફેલાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
શું છે હંતા વાયરસ અને તેના લક્ષણો?
હંતા વાયરસ એ એક દુર્લભ પણ અત્યંત જોખમી બીમારી છે. આ વાયરસ મુખ્યત્વે ઉંદરના મળ, પેશાબ અથવા લાળના સંપર્ક દ્વારા ફેલાય છે. તે માનવ શરીરમાં પ્રવેશીને ફેફસાં અથવા કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે, જેમાં તાવ, માથાનો દુખાવો, શરીરનો દુખાવો અને થાકનો સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં, દર્દીને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
સારવાર અને બચાવના ઉપાયો
હાલમાં હંતા વાયરસ સામે લડવા માટે કોઈ ચોક્કસ રસી (Vaccine) અથવા લક્ષિત સારવાર ઉપલબ્ધ નથી. ગંભીર દર્દીઓને ઓક્સિજન સપોર્ટ અથવા વેન્ટિલેટરની જરૂર પડે છે. ઉંદરોના સંપર્કથી બચવું એ જ આ વાયરસથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આસપાસની જગ્યાઓને સાફ રાખવી અને ઉંદર પ્રભાવિત વિસ્તારોમાં સાવધાની રાખવાથી જોખમ ઘટાડી શકાય છે. જહાજ પર ફસાયેલા લોકો માટે હાલમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અને તાત્કાલિક તબીબી દેખરેખ હેઠળ સારવાર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.