ભાણવડની સગીરાના અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સખત કેદ

  • May 01, 2023 11:20 AM 

આરોપીને રોકડ દંડ ફટકારતી ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટ

ભાણવડ પંથકમાં રહેતી એક સગીરાને અપહરણ કરીને લઈ ગયા બાદ તેણી પર દુષ્કર્મ ગુજારવાના પ્રકરણમાં આરોપી શખ્સને ખંભાળિયાની સ્પેશ્યલ પોક્સો અદાલતે દસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 17,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકામાં રહેતા એક પરિવારના તમામ સદસ્યો ગત તારીખ 1 જુલાઈ 2019 ના રોજ રાત્રિના ઘરે પોતાના ઘરે સુતા હતા, ત્યાર બાદ વહેલી સવારે ઊઠીને જોતાં આ પરિવારના મહિલાને પોતાની સગીર દીકરી ઘરમાંથી લાપતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે અંગે મહિલા તથા તેના પતિ દ્વારા તપાસ કરવામાં આવતા થોડા સમય પૂર્વે આ વિસ્તારમાં રહેતો અમિત મોહન કટારીયા નામનો શખ્સ તેમના ઘરની પાછળ આવેલી ઝાડીમાં ફોનમાં વાત કરતો હોવાનું ભોગ બનનાર સગીરાના પિતાના ધ્યાનમાં આવ્યું હતું. આ પછી ઉપરોક્ત દિવસે સગીરા લાપતા બનતા આરોપી અમિત મોહન કટારીયા પણ પોતાના ઘરે ન હતો. તેથી આરોપી શખ્સ દ્વારા સગીરાનું અપહરણ થયા અંગેની ફરિયાદ તેણીના માતા દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

જે સંદર્ભે પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી, તપાસ દરમિયાન આરોપીની અટકાયત કરી હતી. જેની મેડિકલ તપાસણીમાં સગીરા પર દુષ્કર્મ આચારવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. તેથી પોલીસે દુષ્કર્મ એક્ટની કલમ 376 નો ઉમેરો કર્યો હતો. આ પ્રકરણમાં આરોપી અમિત મોહન કટારીયાને મદદગારી કરવા સબબ કમલેશ નામના એક શખ્સનું પણ નામ ખુલવા પામ્યું હતું.

આ અંગેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા ફરિયાદીની જુબાની તેમજ સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલો, એફ.એસ.એલ. રિપોર્ટ, વિગેરે આધાર પુરાવાઓને ધ્યાને લઈ, નામદાર અદાલતે જુદા જુદા ગુનાઓમાં આરોપીને દસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 17,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ પ્રકરણમાં અદાલતે ભોગ બનનારને સામાજિક આર્થિક તથા માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ા. 2,50,000નું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application