BREAKING NEWS

પાકિસ્તાનને ધૂળ ચટાડી ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી, સૂર્યા-હાર્દિકના નામની બૂમો પડી, જાણો હવે કઈ ટીમ સામે ટકરાશે

  • February 16, 2026 06:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ICC મેન્સ T-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે મળેલી શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે અમદાવાદ પહોંચી છે. ટીમના આગમન સમયે શહેરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ટીમનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ચાહકોએ હાથમાં તિરંગા અને ખેલાડીઓના ફોટા લઈને “ભારત માતા કી જય” અને “ઇન્ડિયા ઝિંદાબાદ”ના નારા લગાવ્યા હતા. એરપોર્ટ પર થોડો સમય રોકાઈ ખેલાડીઓએ ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું અને ત્યારબાદ ટીમ હોટેલ તરફ રવાના થઈ હતી.


ભારતની ટીમ ITC નર્મદા હોટલમાં રોકાશે

ટીમ અમદાવાદમાં જાણિતી ITC નર્મદા હોટલમાં રોકાશે. હોટેલ બહાર પણ ચાહકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી જેથી ખેલાડીઓ સરળતાથી હોટેલ સુધી પહોંચી શકે. પાકિસ્તાન સામેની ભવ્ય જીતથી ટીમનું મનોબળ ઊંચાઈએ છે અને ખેલાડીઓમાં આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે.


પાકિસ્તાનને ધૂળ ચટાડી

ગઈકાલે રમાયેલી મુકાબલામાં ભારતે બેસ્ટ પ્રદર્શન કરીને પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રમાં ટીમે દમદાર દેખાવ કર્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચ બાદ જણાવ્યું હતું કે ટીમ એકમેળ અને સમર્પણ સાથે રમે છે, જે સફળતાનું મુખ્ય કારણ છે. તેમણે વધુમાં કહ્યું કે આગામી મેચ માટે ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે અને સતત સારો દેખાવ જાળવવાનો પ્રયાસ કરશે.


18 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે મેચ

હવે 18 ફેબ્રુઆરીએ અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રોમાંચક મુકાબલો રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચને લઈને શહેરમાં ઉત્સવ જેવો માહોલ છે. ટિકિટ કાઉન્ટર અને ઓનલાઈન બુકિંગમાં ભારે માંગ જોવા મળી રહી છે.


ક્રિકેટપ્રેમીઓમાં ખાસ ઉત્સાહ એ કારણે પણ છે કે ટીમ પાકિસ્તાન સામેની જીતનો જોરદાર મોમેન્ટમ લઈને મેદાનમાં ઉતરશે. સ્ટેડિયમમાં ભારતના સમર્થનમાં નારા ગુંજશે તેવી અપેક્ષા છે. શહેરભરમાં ટીમના સ્વાગત માટે બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આગામી મેચ ભારત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો ટીમ સતત જીતનો સિલસિલો જાળવી રાખશે તો ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે ઉભરી શકે છે. અમદાવાદમાં હાલ ક્રિકેટનો જાદુ છવાયેલો છે અને તમામની નજર 18 ફેબ્રુઆરીની બહુમૂલ્ય મેચ પર ટકી છે.


હેડ ટૂ હેડમાં કોણ આગળ?

ભારત અને નેધરલેન્ડ્સ્સ વચ્ચે ભલે એક જ T20 મેચ રમાવાની હોય, પરંતુ આ ટીમ વનડે વર્લ્ડ કપમાં કુલ ત્રણ વાર ટકરાઈ ચૂકી છે અને ત્રણેય વખત ભારતીય ટીમને જીત મળવી છે. જણાવી દઈએ કે, ભારત-નેધરલેન્ડ્સ્સ વચ્ચે પહેલી મેચ 12 ફેબ્રુઆરી 2003ના રોજ સાઉથ આફ્રિકાના પાર્લમાં રમાઈ હતી, જેમાં ભારતે 68 રનથી જીત હાંસલ કરી હતી. ત્યારબાદ 2011માં આ બંને ટીમો આમને સામને હતી જેમાં ભારતે 4 વિકેટથી જીત મેળવી હતી. છેલ્લે 2023માં ભારતે નેધરલેન્ડ્સને 160 રનના મોટા અંતરથી હરાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application