ટેક્સ ડિવોલ્યુશન : ગુજરાતને મળ્યા 4860.56 કરોડ...જાણો ક્યાં રાજ્યને મળ્યા સૌથી વધુ રૂપિયા

  • June 11, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી વખત સરકાર બની છે અને સોમવારે કેબિનેટની રચના કરવામાં આવી હતી અને દરેકને તેમના મંત્રીમંડળની વહેંચણી કરવામાં આવી હતી. નાણા મંત્રાલયની જવાબદારી ફરી એકવાર નિર્મલા સીતારામનને આપવામાં આવી છે. વિભાગોના વિભાજન પછી તરત જ નાણા મંત્રાલયે એક મોટો નિર્ણય લીધો અને રાજ્યોને 1,39,750 કરોડ રૂપિયાના ટેક્સ ડિવોલ્યુશનને મુક્ત કરવા માટે લીલી ઝંડી આપી હતી. આ અંતર્ગત સૌથી વધુ નાણાં ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યા છે.


બિહારને પણ મળી છે મોટી રકમ


જ્યારે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ફાળવણીમાં ટોચ પર છે. ત્યારે કેન્દ્રએ યુપીને 25,069.88 કરોડ રૂપિયા આપ્યા છે. મજબૂત ગઠબંધન ભાગીદાર નીતિશ કુમારના નેતૃત્વમાં બિહાર બીજા સ્થાને છે. નાણા મંત્રાલયે બિહારમાં 14,056.12 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ યાદીમાં સૌથી વધુ નાણાં મેળવનાર ત્રીજું રાજ્ય મધ્યપ્રદેશ (MP) છે અને તેના માટે રૂ. 10,970.44 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.


રાજ્યોના વિકાસ પર થશે ખર્ચ

ઉલ્લેખનીય છે કે વચગાળાના બજેટ 2024-25માં રાજ્યોને ટેક્સ ટ્રાન્સફર માટે 12,19,783 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યોને ટેક્સ ડિવોલ્યુશન રિલીઝ કરતી વખતે નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જૂન 2024 માટે ડિવોલ્યુશનની રકમના નિયમિત રિલીઝ ઉપરાંત  એક વધારાનો હપ્તો પણ બહાર પાડવામાં આવશે. રાજ્ય સરકારો તેનો ઉપયોગ વિકાસ અને મૂડી ખર્ચને વેગ આપવા માટે કરી શકશે. વધારાના હપ્તા સાથે 10 જૂને (નાણાકીય વર્ષ 2024-25 માટે) રાજ્યોને ટ્રાન્સફર કરવામાં આવેલી કુલ રકમ રૂ. 2,79,500 કરોડ છે.


આ રાજ્યોને પણ મળ્યા અઢળક પૈસા


અન્ય રાજ્યોને મળેલા નાણાં : નાણા મંત્રાલય તરફથી પશ્ચિમ બંગાળને રૂ. 10513.46 કરોડ, મહારાષ્ટ્રને રૂ. 8828.08 કરોડ, રાજસ્થાનને રૂ. 8421.38 કરોડ, ઓડિશાને રૂ. 6327.92 કરોડ, તમિલનાડુને રૂ. 5700.44 કરોડ, આંધ્રપ્રદેશને રૂ. 5655.72 કરોડ રૂપિયા અને ગુજરાતને 4860.56 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.


દેશના 28 રાજ્યોને જારી કરવામાં આવેલી આ રકમમાં ઝારખંડને 4621.58 કરોડ રૂપિયા, કર્ણાટકને 5096.72 કરોડ રૂપિયા, પંજાબને 2525.32 કરોડ રૂપિયા, હિમાચલ પ્રદેશને 1159.92 કરોડ રૂપિયા અને કેરળમાં 2690.20 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ સિવાય મણિપુર અને મેઘાલયને અનુક્રમે રૂ. 1000.60 અને રૂ. 1071.90 કરોડ મળ્યા છે.

​​​​​​​

કોંગ્રેસે આ પૈસાને રાજ્યોનો અધિકાર ગણાવ્યો


કોંગ્રેસે આ નિર્ણયની નિંદા કરી છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર રાજ્યોના બાકી નાણાં આપીને લોકપ્રિયતા મેળવી રહી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે આ કંઈ પ્રસાદ નથી. આ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવતી વિશેષ સુવિધા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application