દેવભુમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમીકલ લીમીટેડ દ્વારા આજુબાજુના દરીયાઇ વિસ્તારમાં વેસ્ટ કેમીકલવાળુ પાણી તથા કચરો ઠાલવવામાં આવે છે, જેનાથી ઓખા, બેટ, આરંભડા અને અન્ય વિસ્તારોમાં આજુબાજુમાં રહેલા દરીયાઇ જીવોનો નાશ થાય છે, ઉપરાંત આજુબાજુના નાના માછીમારોને માછલી મળતી ન હોય જેના કારણે તેઓ પણ બેરોજગાર થઇ ગયા છે, આ કંપની સામે કડક પગલા લેવાની માંગણી ગાંધીનગરી ભુંગા વિસ્તાર દાતારી ચોક ઓખામાં રહેતા એક અરજદારે દ્વારકાના પ્રાંત અધિકારીને લખેલા પત્રમાં કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, ટાટા કેમીકલ લીમીટેડ દ્વારા ઓખા, બેટ, આરંભડા તેમજ આજુબાજુના દરીયાઇ વિસ્તારમાં વેસ્ટ કેમીકલવાળુ પાણી અને કચરો ઠાલવવામાં આવે છે, આ દરીયાઇ વિસ્તારમાં દરીયાઇ જીવોનો ખાત્મો થાય છે અને તેનાથી ઓખા, બેટ, આરંભડા વિસ્તારના નાના માછીમારોને માછલી મળતી ન હોય તેઓ બેરોજગાર થયા છે, ૨૦૧૧થી ૨૦૨૩ સુધી ઇન્ટરનેટ પર સેટેલાઇટ દ્વારા જોતા ફોટામાં ટાટા કેમીકલ દ્વારા છોડવામાં આવતા કચરાના લીધે આરસ પાણા જેવા કચરાનો થર જામી ગયેલ છે, તે સ્પષ્ટપણે સેટેલાઇટના ફોટામાં દેખાય છે, ટાટા કેમીકલ દ્વારા વેસ્ટ કચરો અને કેમીકલવાળુ પાણી દરીયામાં નાખવામાં આવતું હોવાથી દરીયાઇ સપાટી ૪ કિ.મી. ઉપર જતી હતી. હવે કેમીકલવાળુ પાણી છોડવાના કારણે ૪ કિ.મી. દરીયાની સપાટી નીચે આવી ગયેલ છે.
આ પત્રમાં વધુ જણાવાયું છે કે, ટાટા કેમીકલ દ્વારા કેમીકલવાળુ પાણી છોડવાના કારણે કેમીકલ ઉપર આવી ગયેલ છે, દરીયામાં જેટી બનાવવામાં આવેલ છે અને તે જેટી પર મોટા-મોટા પાઇપ નાખવામાં આવ્યા છે, તે પાઇપ દ્વારા ઝેરી કેમીકલ અને વેસ્ટ કચરો ટાટા કેમીકલ દ્વારા છોડવામાં આવશે અને દરીયામાં જીવોનો નાશ થઇ જશે અને અમારે નાના માછીમારોને આત્મવિલોપન કરવાનો વારો આવશે તેમ પણ જણાવ્યું છે.