દોસ્ત હોય કે દુશ્મન ટેરીફ તો લાગશે જ : ટ્રમ્પ

  • March 05, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. પોતાના સંબોધનમાં, ટ્રમ્પે ઇમિગ્રેશન, અર્થતંત્ર અને સુરક્ષા પર ઝડપી અને સતત પગલાં લેવા બદલ પોતાને શ્રેય આપ્યો. અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે દેશ અમેરિકાનો મિત્ર હોય કે દુશ્મન, તેઓ ટેરિફ પર કોઈ સમાધાન કરશે નહીં. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અન્ય દેશો દ્વારા અમારા પર ગમે તેટલા ટેરિફ લાદવામાં આવે, અમે તેમના પર પણ તે જ ટેરિફ લાદીશું. ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત, ચીન, યુરોપિયન યુનિયન અને અન્ય દેશો સામે પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આપણા પર જેટલો ટેરિફ લાદે, આપણે પણ તેમના પર તેટલો જ ટેરિફ લાદીશું.


રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું અમેરિકા પાછું આવી ગયું છે. તેમણે કહ્યું, છ અઠવાડિયા પહેલા, મેં આ કેપિટોલના ગુંબજ નીચે ઊભા રહીને અમેરિકાના સુવર્ણ યુગની શરૂઆતની ઘોષણા કરી હતી. તે ક્ષણથી, અમેરિકન ઇતિહાસના સૌથી મહાન અને સૌથી સફળ યુગને પરત લાવવા માટે ઝડપી પગલાં લીધા.


રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસને જણાવ્યું હતું કે અમે છેલ્લા 43 દિવસમાં મોટાભાગના વહીવટીતંત્રો ચાર કે આઠ વર્ષમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેના કરતાં વધુ સિદ્ધિઓ મેળવી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો જુસ્સો, ગૌરવ અને આત્મવિશ્વાસ પાછો આવી ગયો છે. ટ્રમ્પે કહ્યું, છેલ્લા 6 અઠવાડિયામાં, મેં લગભગ 100 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે અને 400 થી વધુ એક્ઝિક્યુટિવ પગલાં લીધા છે. આપણા અદ્ભુત દેશમાં સામાન્ય સમજ, સુરક્ષા, આશાવાદ અને સંપત્તિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. લોકોએ મને કામ કરવા માટે ચૂંટ્યા અને હું તે કરી રહ્યો છું.


ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેન પર પણ નિશાન સાધ્યું. ટ્રમ્પે કહ્યું કે, અમે એ સશસ્ત્ર સરકારનો અંત લાવી દીધો છે જ્યાં એક વર્તમાન રાષ્ટ્રપતિને મારા જેવા રાજકીય વિરોધી પર ક્રૂરતાથી કાર્યવાહી કરવાની છૂટ છે. અમે અમેરિકામાં વાણી સ્વતંત્રતા પાછી લાવી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમણે અંગ્રેજીને અમેરિકાની સત્તાવાર ભાષા બનાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે પદ સંભાળ્યાના કલાકોમાં જ મેં આપણી દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી. મેં આપણા દેશ પરના આક્રમણને રોકવા માટે યુ.એસ. આર્મી અને બોર્ડર પેટ્રોલને તૈનાત કર્યા. અમે અમારી જાહેર શાળાઓમાંથી ક્રિટિકલ રેસ થિયરીનું ઝેર દૂર કર્યું છે. મેં એક આદેશ પર હસ્તાક્ષર કર્યા જે તેને યુએસ સરકારની સત્તાવાર નીતિ બનાવે છે કે ફક્ત બે જ જાતિ છે, પુરુષ અને સ્ત્રી.


રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હું યુક્રેનમાં આ ભયંકર યુદ્ધનો અંત લાવવા માટે ઘણા પ્રયાસો કરી રહ્યો છું. લાખો યુક્રેનિયન અને રશિયનો આમાં બિનજરૂરી રીતે માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. કોઈ અંત દેખાતો નથી.


અમેરિકા કોમર્શીયલ અને લશ્કરી જહાજો બનાવશે

યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આપણા સંરક્ષણ ઔદ્યોગિક આધારને વધારવા માટે, અમે અમેરિકન જહાજ નિર્માણ ઉદ્યોગને પુનર્જીવિત કરવા જઈ રહ્યા છીએ, જેમાં કોમર્શીયલ અને લશ્કરી જહાજ નિર્માણનો સમાવેશ થાય છે. તે માટે, હું આજે જાહેરાત કરી રહ્યો છું કે અમે વ્હાઇટ હાઉસમાં જહાજ નિર્માણનું એક નવું કાર્યાલય બનાવીશું અને આ ઉદ્યોગને અમેરિકામાં લાવવા માટે ખાસ કર પ્રોત્સાહનો પ્રદાન કરીશું.


ટ્રમ્પે સમાધાન માટેના ઝેલેન્સ્કીના લેટરને વખાણ્યો

ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી દ્વારા સમાધાન માટે લખાયેલા લેટરના વખાણ કર્યા. તેમણે કહ્યું કે મને ઝેલેન્સ્કીનો લેટર ખૂબ ગમ્યો. તેમણે એમ પણ કહ્યું કે અમારી રશિયા સાથે ગંભીર વાતચીત થઈ છે. અમને મોસ્કો તરફથી મજબૂત સંકેતો મળ્યા છે કે તેઓ શાંતિ માટે તૈયાર છે. તેમણે સંસદમાં હાજર લોકોને પૂછ્યું, શું આ સારી વાત નથી? આ નકામા યુદ્ધનો અંત લાવવાનો સમય આવી ગયો છે.


સંસદના સંયુક્ત સત્રમાં અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા સૌથી લાંબુ ભાષણ

સત્તામાં પાછા ફર્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કોંગ્રેસના સંયુક્ત સત્રમાં પ્રથમ ભાષણ સત્તાવાર રીતે અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ બની ગયું છે. તેમણે 1993માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના 1 કલાક અને 5 મિનિટના ભાષણને પણ પાછળ છોડી દીધું, જે અત્યાર સુધીનું સૌથી લાંબુ સંયુક્ત સત્ર સંબોધન હતું. વધુમાં, ટ્રમ્પે 2017 માં તેમના પહેલા સંયુક્ત સત્રના ભાષણ કરતાં વધુ લાંબું ભાષણ આપ્યું, જે એક કલાકથી થોડું વધારે હતું.


ટેરિફ આપણા દેશની આત્માનું રક્ષણ કરશે

ટ્રમ્પે કહ્યું કે નવા ટેરિફ 2 એપ્રિલથી અમેરિકામાં આવતા વિદેશી કૃષિ ઉત્પાદનો પર લાગુ થશે. શરૂઆતમાં થોડો અડજેસ્ટમેન્ટનો સમયગાળો હોઈ શકે છે, પરંતુ ખેડૂતો માટે આ એક જબરદસ્ત તક હશે. તેમણે કહ્યું કે તેમણે વિદેશી એલ્યુમિનિયમ, તાંબુ, લાકડું અને સ્ટીલ પર 25% ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ ફક્ત અમેરિકન નોકરીઓનું રક્ષણ કરવા માટે નથી. આ આપણા રાષ્ટ્રના આત્માનું રક્ષણ કરવા માટે છે.


ટ્રમ્પ ખેડૂતો માટે નવી વેપાર નીતિ લાવશે

ટ્રમ્પ કહે છે કે અમેરિકાને ઘણા દાયકાઓથી લગભગ દરેક દેશે લૂંટ્યું છે. હવે અમે આવું નહીં થવા દઈએ. ટેરિફથી અબજો ડોલરની આવક થશે અને અભૂતપૂર્વ સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે. તેમણે કહ્યું, અમે એક નવી વેપાર નીતિ લાવીશું જે અમેરિકન ખેડૂતો માટે ઉત્તમ રહેશે. મને ખેડૂતો ખૂબ ગમે છે. ગંદો અને હલકી ગુણવત્તાવાળો વિદેશી માલ અમેરિકામાં આવી રહ્યો છે, જેનાથી અમેરિકન ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.

ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામ દ્વારા દેવું ઘટાડીશું

ટ્રમ્પે કહ્યું અમે 'ગોલ્ડ કાર્ડ' વિઝા સિસ્ટમ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં 5 મિલિયન ડોલરના રોકાણ પર અમેરિકન નાગરિકતાનો માર્ગ શોધી શકાય છે. તે ગ્રીન કાર્ડ જેવું છે પણ વધુ સારું અને વધુ અદ્યતન છે. ગોલ્ડ કાર્ડ મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન કરશે અને કંપનીઓને જબરદસ્ત સફળતા અપાવશે. તેમણે કહ્યું, 'હવે આપણે દેશમાં પ્રતિભાશાળી, મહેનતુ અને રોજગાર આપનારા લોકોને લાવીશું.' તેઓ ઘણા પૈસા આપશે, અને અમે તે પૈસાથી દેવું ઘટાડીશું.

ટ્રમ્પે મસ્કના વખાણ કર્યા

મસ્કની પ્રશંસા કરતા ટ્રમ્પે કહ્યું, તેઓ ઐતિહાસિક પગલાં લેવા જઈ રહ્યા છે, જેનાથી અમેરિકામાં આવશ્યક ખનિજો અને દુર્લભ અર્થ મેડલનું ઉત્પાદન ઝડપથી વધશે.' તેમણે સરકારી કાર્યક્ષમતા વિભાગ (ડોજ) ની રચના કરી. કદાચ તમે તેના વિશે સાંભળ્યું હશે. ટ્રમ્પે ગેલેરીમાં બેઠેલા એલોન મસ્ક તરફ ઈશારો કર્યો અને તેમનો આભાર માન્યો. ટ્રમ્પે કહ્યું, આભાર મસ્ક. તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. આ પછી ટ્રમ્પે કહ્યું કે મસ્કને આવું કરવાની કોઈ જરૂર નથી. પણ તેઓ દેશ માટે આ કરી રહ્યા છે.


અમેરિકા પાસે દુનિયામાં સૌથી વધુ લિક્વિડ ગોલ્ડ

ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા પાસે વિશ્વના અન્ય કોઈપણ દેશ કરતાં તેની જમીન નીચે લિક્વિડ ગોલ્ડ (તેલ અને ગેસ) વધુ છે. ટ્રમ્પે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર અલાસ્કામાં એક વિશાળ કુદરતી ગેસ પાઇપલાઇન પર કામ કરી રહ્યું છે. જાપાન, દક્ષિણ કોરિયા અને અન્ય દેશો આ પ્રોજેક્ટમાં ભાગીદાર બનવા માગે છે. દરેક દેશ ટ્રિલિયન ડોલરનું રોકાણ કરવા માગે છે. જો આવું થાય, તો તે અદ્ભુત હશે. અમારી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.


ટ્રમ્પની મજાક ઉડાવવા બદલ ડેમોક્રેટિક કોંગ્રેસમેન અલ ગ્રીનની હકાલપટ્ટી

ડેમોક્રેટિક કોંગ્રેસમેન અલ ગ્રીનને હાઉસ ચેમ્બરમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા. તેઓ પોતાના ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે ટ્રમ્પ પાસે કોઈ જનાદેશ નથી. વારંવાર ચેતવણી આપવા છતાં, તેઓએ ટ્રમ્પના ભાષણમાં વિક્ષેપ પાડવાનું ચાલુ રાખ્યું. આ પછી, સ્પીકર માઈન જોહ્ન્સનને તેમને બહાર ફેંકી દેવાનો આદેશ આપ્યો.


ડબલ્યુએચઓને ભ્રષ્ટ અને યુએન માનવાધિકાર આયોગ અમેરિકન વિરોધી: ટ્રમ્પ

ટ્રમ્પે કહ્યું, મેં પદ સંભાળતાની સાથે જ બધી ફેડરલ ભરતી, નવી ફેડરલ નીતિઓ અને વિદેશી સહાય તાત્કાલિક બંધ કરી દીધી. મેં 'મૂર્ખામીભર્યા ગ્રીન ન્યૂ સ્કેમ'નો અંત લાવ્યો, અને અમેરિકાને 'નકામા' પેરિસ ક્લાયમેટ એગ્રીમેન્ટ, 'ભ્રષ્ટ' વિશ્વ આરોગ્ય સંગઠન અને 'અમેરિકન વિરોધી' યુએન માનવ અધિકાર પંચમાંથી બહાર કાઢ્યું.


ટ્રમ્પનો વિરોધ કરવા માટે ડેમોક્રેટિક નેતા ગુલાબી ડ્રેસ પહેરીને સંસદ પહોંચ્યા

ટ્રમ્પનું ભાષણ સાંભળવા માટે ડેમોક્રેટિક પાર્ટીના ઘણા નેતાઓ ગુલાબી રંગના કપડાં પહેરીને સંસદમાં પ્રવેશ કરી રહ્યા છે. ડેમોક્રેટિક મહિલા કોકસના અધ્યક્ષ ટેરેસા લેગર ફર્નાન્ડીઝે જણાવ્યું હતું કે ગુલાબી રંગ પહેરવાનો હેતુ ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓ મહિલાઓ પર કેવી રીતે પ્રતિકૂળ અસર કરી રહી છે તે તરફ ધ્યાન દોરવાનો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application