સોડવદરમાં હથિયાર વડે હુમલા કરી નિર્દેાષ નાગરિકોને રંજાડતા તત્વો સામે કડક પગલાં લો

  • October 30, 2023 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે તાજતેરમાં ખેડૂત પર હથિયાર વડે હિંચકારો હુમલો કરી તેમના હાથપગ ભાંગી નાખ્યા હતાં.ત્યારે છાસવારે કાયદો હાથમાં લઇ નિર્દોષ લોકો રંજાડનાર આ ટોળકી સામે ગ્રામજનોમાં ભારે રોષની લાગણ ફેલાઇ જવા પામી છે.આજરોજ ગ્રામજનોએ આવા તત્વો સામે આકરા પગલા લેવાની માંગણી સાથે રાજકોટ જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરી હતી.


ગત તા.25/10/2023ના રોજ સોડવદર ગામમાં સરપંચની ચૂંટણી મામલે થયેલ ઝઘડાનો ખાર રાખી અતુલભાઇ છગનભાઇ આલોદરીયા નામના ખેડૂત ઉપર છ શખસોએ ધારીયા પાઈપથી હિંચકારો હુમલો કર્યો હતો. આ અંગે તા.તા.25/10ના રોજ જામકંડોરણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 57 વર્ષીય અતુલભાઇ આલોદરીયા (ઉ.વ.57)એ ફરિયાદમાં આરોપી તરીકે લખધીરસિંહ દીલુભા જાડેજા, જયેન્દ્રસિંહ દીલુભા જાડેજા, મહીપાલસિંહ વનરાજસિંહ જાડેજા, હરવિજયસિંહ જયદેવસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ દીલુભા જાડેજા, જયદેવસિંહ ખેંગારસિંહ જાડેજાનું નામ આપ્યા હતાં. હુમલાની આ ઘટનમાં પ્રૌઢના હાથપગ ભાંગી ગયા હતાં.ચૂંટણીના મનદુ:ખ અને અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.

આ બનાવ બાદ ગ્રામજનોએ વિરોધ નોંધાવતા એસપીને રજુઆત કરી હતી કે, આરોપી તત્વો અવાર નવાર માથાકૂટ, ઝઘડા, બોલાચાલી કરે છે. ઉપરાંત ગામમાં દારૂનો ધંધો પણ કરે છે, આ તત્વોનો એવો ત્રાસ છે કે, ગૌચર - ખરાબાની જમીન કબ્જે કરી લીધી છે. ચેક ડેમમાંથી કાયદેસર રીતે દર વર્ષે ખેડૂતો કાંપ કાઢતા હોય છે. આરોપીઓ ખેડૂતોને પણ કાંપ ન કાઢવા દઈ ખોટી રીતે રંઝાડે છે. અગાઉ આવા કિસ્સા બનેલા છે. સ્થાનિક જામકંડોરણા પોલીસને આ બાબતની તમામ હકીકતની જાણ છે પણ આ તત્વોને છાવરી કોઈ કડક પગલાં લેવાતા નથી. જેથી આ તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરી આવા તત્વોથી ગ્રામજનોને કાયમી છુટકારો અપાવી ન્યાય અપાવે તેવી માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application