બીપોરજોય ચક્રવાતના પગલે દ્વારકા જિલ્લાનું તંત્ર એલર્ટ: ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ બંધ

  • June 12, 2023 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંભવિત વાવાઝોડાના આગમનને પગલે બેટની ફેરીબોર્ડ સર્વિસ રદ

બીપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ ધસી રહ્યું હોવા અંગેનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જેના પગલે દેવભૂમિ દ્વારકાના વાતાવરણમાં પણ ચહલપાલ વધી જવા પામી છે. છેલ્લા બે દિવસથી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પવનનું જોર રહ્યું હતું. સાથે સાથે દેવભૂમિ દ્વારકાના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો. અને દરિયામાં ૧૦ ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળી રહ્યા છે.
સંભવિત વાવાઝોડાના પગલે જિલ્લાનું તંત્ર એલર્ટ બની રહ્યું છે અને વિવિધ દિશાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધીના સમયગાળા માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે. જે વેપારીઓનો માલ ખુલ્લામાં પડ્યો હોય, તેઓએ માલ સલામત સ્થળે ખસેડવા યાર્ડના સેક્રેટરી દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.
આ સાથે ચક્રવાત ત્રાટકવાની શક્યતાને ધ્યાને લઈને રવિવારથી જ્યાં સુધી બીજો હુકમ ના થાય ત્યાં સુધી ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરી સર્વિસ બોટ બંધ રાખવા પણ બંદર અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
વાવાઝોડાની તો હાલ ફક્ત આગાહી જ કરવામાં આવી છે. પરંતુ ખંભાળિયા શહેરમાં અવાર નવાર જુદા જુદા વિસ્તારોમાં લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઈ જતા કાળઝાળ ગરમીમાં નગરજનો ત્રાસી ગયા હતા અને પીજીવીસીએલની કામગીરી સામે રોષ પ્રદર્શિત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application