ખંભાળિયા, કલ્યાણપુર તાલુકામાં ધમધમતી દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ

  • January 18, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોપી ફરાર : ભઠ્ઠીના સાધનો અને બાઇક જપ્ત કરતી પોલીસ

ખંભાળિયા તાલુકાના લલીયા ગામના વાડી વિસ્તારના એલ.સી.બી. પોલીસે દરોડો પાડીને આ ગામના ખેંગાર દેવા ગઢવી નામના શખ્સ દ્વારા પોતાના વાડીમાં આવેલા કુવા પાસેની ઝાડીની આડમાં દેશી દારૂ બનાવવા માટેના સાધનો ફીટ કરીને ચલાવતી ગેરકાયદેસર દેશી દારૂની ભઠ્ઠીમાં વ્યાપક પ્રમાણમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું છે.
આ સ્થળેથી પોલીસે વિવિધ સાધનો મળી, કુલ રૂપિયા ૮,૦૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમ્યાન આરોપી ખેંગાર દેવા ગઢવી પોલીસને હાથ લાગ્યો ન હોવાથી પોલીસે હાલ તેને ફરાર જાહેર કરી, તેની શોધખોળ હાથ ધરી છે.
અન્ય એક દરોડામાં કલ્યાણપુર પોલીસે રાવલ ઘેડ વિસ્તારમાં આવેલા કાઠી વિસ્તારના વોંકડા પાસેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીને લગતા સાધનો તેમજ રૂપિયા ૨૫,૦૦૦ ની કિંમતના એક સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૨૬,૩૧૦ ના મુદ્દામાલ સાથે રાવલ ગામના સંજય ઉર્ફે દીપક સુકાભાઈ બારીયા નામના ૨૩ વર્ષના કોળી શખ્સની અટકાયત કરી, પ્રોહિબીશન હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
***
લાલપુરમાં મકાનમાંથી વિદેશી દારુ સાથે બે શખ્સની અટક: સપ્લાયરનું નામ ખુલ્યું : ૩૨ બોટલ મળી આવી

લાલપુરમાં ગોહિલવાસ વિસ્તારમાં એક મકાનમાંથી ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે, અને બે આરોપીઓની અટકાયત કરી છે. જયારે દારૂ ના સપ્લાયર ભાણવડ તાલુકાના મોરઝર ગામના એક શખ્સનું નામ ખુલ્યું છે.
ગ્રામ્ય ડીવાયએસપી પી.એલ. વાઘેલાની સુચનાથી લાલપુરના પીએસઆઇ એસ.પી. ગોહીલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના સોમાભાઇ મોરીને બાતમી મળી હતી, કે લાલપુરના ધરાર નગર નજીક ગોહિલ વાસ વિસ્તારમાં રહેતા રિયાઝ હુસેન ધુંધા નામના સંધી શખ્સના રહેણાંક મકાનમાં ઇંગલિશ દારૂની બાટલીનો જથ્થો સંતાડવામાં આવ્યો છે.
તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ૧૬,૦૦૦ની કિંમતનો ૩૨ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી જથ્થો કબજે કર્યો છે. જ્યારે મકાન માલિક રિયાઝ હુશેનભાઈ સંધી તેમજ તેના સાગરીત અજય ઉર્ફે અરુણ મુકેશભાઈ પાધરેશા રહે. પ્રગટેશ્ર્વર સોસાયટીની અટકાયત કરવામાં આવી છે. જયારે દારૂ સપ્લાય કરનાર ભાણવડ તાલુકાના મોરઝર ગામના નીરજ જેઠાભાઈ પરમારને ફરારી જાહેર કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application