BREAKING NEWS

સુરત આપમાં ટિકિટ માટે રૂ. 18 લાખમાં સોદો, પ્રભારી ઓમ પ્રકાશ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

  • April 25, 2026 02:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 1-2 ના પ્રભારી ઓમપ્રકાશ સામે ટિકિટ અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવ્યાની ફરિયાદ સરથાણા પોલીસ મથકે નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ટિકિટ માટેની સોદાબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો, જેના આધારે હવે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.


ફરિયાદની વિગતો મુજબ, 'આપ'ના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના પિતરાઈ ભાઈ નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો છે કે, તેમની પત્ની લિપ્સાબેનને ચૂંટણી લડવા માટે ટિકિટ અપાવવાના બહાને ઓમપ્રકાશે રૂ. 18 લાખની માંગણી કરી હતી. ઓમપ્રકાશે લાલચ આપી હતી કે આ વખતે વોર્ડ જીતવાની પૂરી શક્યતા છે અને કોર્પોરેટર બન્યા બાદ માત્ર છ મહિનામાં આ રકમ પરત કમાય લેવાશે. લાંબી રકઝક અને સોદાબાજી બાદ અંતે આ રકમ આછ લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવી હતી.


નવનીતભાઈના જણાવ્યા અનુસાર, તેમણે 25 માર્ચ, 2026ના રોજ કિરણચોક પાસે ઓમ પ્રકાશને પ્રથમ હપ્તા તરીકે રૂ. 2.50 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ એટીએમ અને અન્ય રીતે મળીને વધુ 50 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. આમ, કુલ ત્રણ લાખ રૂપિયા લીધા બાદ પણ આરોપીઓ દ્વારા વધુ બે લાખની ઉઘરાણી કરવામાં આવતી હતી. ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીઓ દ્વારા વારંવાર વોટ્સએપ કોલ કરીને નાણાં માટે માનસિક ટોર્ચર પણ કરવામાં આવતું હતું.


જ્યારે પક્ષની સત્તાવાર યાદીમાં નામ ન આવ્યું, ત્યારે ફરિયાદીએ ધર્મેશ ભંડેરીનો સંપર્ક કર્યો હતો. તેમને આશ્વાસન આપીને મોડી રાત્રે ફોર્મ ભરાવવામાં આવ્યું હતું અને અંકુર હિરપરા દ્વારા મેન્ડેટ તૈયાર કરાયું હોવાનું કહેવાયું હતું. જોકે, ફોર્મની ચકાસણી દરમિયાન આ મેન્ડેટ ખોટું હોવાનું બહાર આવ્યું હતું. રામભાઈ ધડુક દ્વારા સમય પસાર કરાવાતા અંતે અન્ય કોઈ ઉમેદવારનું મેન્ડેટ મંજૂર થયું હતું, જેનાથી સ્પષ્ટ થયું કે ફરિયાદી સાથે પદ્ધતિસરની છેતરપિંડી આચરવામાં આવી છે.


આ સમગ્ર કૌભાંડમાં ઓમ પ્રકાશ અને આકાશ મિશ્રા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીએ પોતાની પાસે રહેલા કોલ રેકોર્ડિંગ અને સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે રજૂ કર્યા છે.


સુરત પોલીસ કમિશનરને કરવામાં આવેલી રજૂઆત બાદ હવે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા 'આપ'ની છબી પર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application