ખંભાળિયા નજીકના હાઇવે માર્ગ પર રોંગ સાઈડમાં જઈ રહેલા ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી: આરોપી જેલ હવાલે

  • November 07, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહન ચાલકો વિવિધ નિયમોનું પાલન કરે તેમજ બેદરકારીના કારણે અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસને કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
જે અંતર્ગત જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. એન.ડી. કલોતરા તથા સ્ટાફ દ્વારા અહીંના દ્વારકા નેશનલ હાઈવે રોડ પર ખંભાળિયા ટ્રાફિક પોલીસના સ્ટાફને સાથે રાખીને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ખંભાળિયા નજીકના માર્કેટિંગ યાર્ડ આગળથી રોંગ સાઈડમાં અને પૂરઝડપે ધૂમ સ્ટાઇલથી જઈ રહેલા જી.જે. ૧૦ ટી.એક્સ. ૭૮૪૮ નંબરના એક ટ્રકને પોલીસે અટકાવ્યો હતો .જેના ચાલક હમૂસર ગામના સિરાજ અબ્દુલ ઓંધિયાની પોલીસે અટકાયત કરી, આઈપીસી કલમ ૨૭૯, ૩૦૮ તથા એમ.વી. એક્ટ વિગેરે હેઠળ કડક કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગે પોલીસની કડક કાર્યવાહીથી અહીંની નામદાર અદાલતે ઉપરોક્ત શખ્સને ગંભીર અકસ્માત સર્જાઈ તેવી શક્યતા સાથેના આ ગુનામાં તેને જામનગર જિલ્લા જેલ હવાલે કરવા માટેનો હુકમ કરી દીધો હતો.
હાઈ-વે તેમજ શહેરી વિસ્તારમાં વાહન અકસ્માત ન સર્જાય તે માટે લોકો પોતાનું વાહન રોંગ સાઈડમાં ન ચલાવે તેમજ સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરે સાથે સાથે ઓવર સ્પીડમાં વાહન ન ચલાવી અને મોટર વ્હીકલ એક્ટના નિયમોનું પાલન કરે તેવી અપીલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જાહેર જનતાને કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application