જમીનદારોને ઝટકો: રૂડાને ૪૦% કપાતમાં દબાણગ્રસ્ત જમીન નહીં પધરાવી શકાશે

  • September 11, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટના નિયમોમાં આમૂલ પરિવર્તન કરાયા બાદ હવે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી દ્રારા પણ પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટના નિયમો જડમૂળથી તબદિલ કરાયા છે, ડામાં પાંચ નવા નિયમો અમલી કરાયા છે તેનું પાલન થયેથી જ પ્લોટ વેલીડેશન સર્ટિફિકેટ, લે આઉટ મંજૂરી કે વિકાસ પરવાનગી મળશે. એકંદરે હાલ સુધી થતી ૪૦ ટકા કપાત પેટે ડાને અપાતી જમીનમાં દબાણગ્રસ્ત જમીનો પધરાવી દેવામાં આવતી હતી તે હવે શકય નહીં બને. જમીનદારોને ઝટકો આપતા નવા નિયમોનો તતાત્કાલિક અસરથી ચુસ્ત અમલ કરવા આદેશ કરાયો છે.
વિશેષમાં ડાના ચીફ એકકિઝકયુટિવ ઓથોરિટી જી. વી. મિયાણીએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સત્તામંડળ દ્રારા નોન ટી.પી. વિસ્તારમાં રજુ થતી વિકાસ પરવાનગીમાં સરકાર દ્રારા મંજુર અમલી સીજીડીસીઆર–૨૦૧૭ના કલોઝ ૬.૧૭.૪ની જોગવાઇ અનુસાર લેન્ડ કન્ટ્રીબ્યુશન અંતર્ગત ૪૦ ટકા કપાતનું ધોરણ રાખી પ્લોટ વેલીડેશન સર્ટિફિકેટ તથા ત્યારબાદ લે–આઉટ મંજુરી અંગેની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ પ્લોટ વેલીડેશન સર્ટિફિકેટની કામગીરી દરમિયાન સત્તામંડળના જુનિયર નગર નિયોજક દ્રારા ૪૦ ટકા કપાતના આયોજન તૈયાર કરતા પહેલા સ્થળ તપાસ કરવામાં આવે છે. સ્થળ તપાસ દરમ્યાન જે કિસ્સાઓમાં જમીન વિશાળ ક્ષેત્રફળ ધરાવતી હોય ત્યારે જમીનમાં થયેલ બાંધકામ–દબાણની ચોક્કસ સ્થળ સ્થિતિ જાણવી મુશ્કેલ થતી હોય, અમુક વખતે સત્તામંડળને કપાત તરીકે મળતી જમીન બાંધકામ–દબાણ સહિત મળવાની સંભાવના રહેલ છે. આ બાબતે પુખ્ત વિચારણા કરી, સત્તામંડળને ખુલ્લી તેમજ દબાણ રહિત જમીન મળે તે આશયથી હવે પછી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં પ્લોટ વેલીડેશન સર્ટિફિકેટ આપતા પહેલા હવે પાંચ નિયમોનો ચુસ્ત અને તાત્કાલિક અસરથી અમલ કર્યા બાદ જ પ્લોટ વેલીડેશન સર્ટિફિકેટ તેમજ લે આઉટ મંજૂરી કે વિકાસ પરવાનગી આપવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે


નિયમ 1 હદ દર્શાવતા ખૂંટા ખોડવાના રહેશે
નોન ટી.પી. વિસ્તાર–ટી.પી. વિસ્તારમાં અરજદાર દ્રારા યારે પ્લોટ વેલીડેશન સર્ટિફિકેટ મેળવવા માટે રજૂઆત કરવામાં આવે ત્યારે સૌ પ્રથમ અરજદાર દ્રારા સક્ષમ સત્તાધિકારી પાસેથી મંજૂર કરેલ માપણી શીટના નકશામાં દર્શાવ્યા મુજબની જમીનના હદો દર્શાવતા ખૂંટા સ્થળે લગાવવાના રહેશે


નિયમ 2 જુનિયર ટાઉન પ્લાનર સ્થળ તપાસમાં આવશે
જુનિયર નગર નિયોજક દ્રારા સ્થળ તપાસ દરમિયાન સુંદર ખૂંટાને આધારે સ્થળ સ્થિતિની ચકાસણી કરી પ્રશ્નવાળી જમીનના માપો તથા તેમાં કોઈ દબાણ બાંધકામ થયેલ છે કે કેમ? તે સુનિશ્ચિત કરવાનું રહેશે. રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના જુનિયર ટાઉન પ્લાનર સ્થળ તપાસ કરે પછી જ આગળની કાર્યવાહી થશે


નિયમ 3 રૂડાની સર્વે એજન્સી જ ડિમાર્કેશન–ફેન્સિંગ કરશે
પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ મંજૂર થયા બાદ લે–આઉટ રજૂ થયેથી સ્થળે સૂચિત લેન્ડ કન્ટ્રીબ્યુશનનાં અંતિમખંડનું ડીમાર્કેશન તથા ફેન્સીંગ ડા નિયુકત સર્વે એજન્સી પાસે કરાવ્યા બાદ તે જમીન ખુલ્લી હોવાની ખરાઇ જુનિયર નગર નિયોજક કક્ષાએ કર્યા બાદ લે–આઉટ મંજૂરીની કાર્યવાહી કરાશે.


નિયમ 4 સાઇટ વિઝીટ વગર લે–આઉટ મંજૂર નહીં થાય
ટીપી એરિયામાં પરવાનગી વખતે આવતા પ્રકરણોમાં ટીપીઓ તરફથી મળેલ અભિપ્રાયની વિગતે જો લે–આઉટ મંજૂર કરવાપાત્ર થતો હોય તો તેવા કિસ્સામાં નિયુકત સર્વે એજન્સી પાસેથી એફપીના ડીમાર્કેશન કરાવી રૂડાને મળતા રસ્તા– પ્લોટના માપ, ક્ષેત્રફળ, સ્થળ–સ્થિતિની ખરાઈ જુ. નગર નિયોજક કક્ષાએ કર્યા બાદ  લે–આઉટ પરવાનગી આપવાની રહેશે.


નિયમ 5 જમીન માલિકએ રસ્તા કરાર રજૂ કરવો પડશે
નોન ટી.પી. વિસ્તારમાં સત્તામંડળ દ્રારા સૂચિત કરેલ રોડ નેટવર્ક પ્રમાણે હયાત રસ્તાથી પોતાની જમીન સુધી પહોંચવા માટે જે તે જમીન માલિક દ્રારા સૂચિત રસ્તા રેખાની પથરેખામાં સમાવિષ્ટ્ર જમીન માલિકો પાસેથી નોટરાઇઝડ રસ્તા કરાર રજૂ કરાવી લે–આઉટ મંજૂરીની કાર્યવાહી કરાશે






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application