કાલથી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન સાથે માવઠું

  • December 25, 2024 10:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં આવતીકાલથી વાતાવરણમાં જોરદાર પલટો આવી રહ્યો છે. કાલે રાત્રે હિમાલયન રિજીયનમાં એક મોટું પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ રહ્યું છે અને તેની અસરના ભાગરૂપે તારીખ 26 થી 28 સુધી ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં તોફાની પવન અને મેઘગર્જના સાથે માવઠાની ચેતવણી આપવામાં આવી છે.
વાતાવરણમાં પલટાની આવી જ બીજી મોટી ઘટનામાં બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં આંધ્રપ્રદેશ અને તામિલનાડુના દરિયા વચ્ચે વેલમાર્ક લો પ્રેસર સર્જાયું છે અને તેની અસરના ભાગરૂપે આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તમિલનાડુ કણર્ટિક અને કેરળમાં પણ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે આજે રાજકોટ અમરેલી નલિયા અને ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીજીટમાં નોંધાયો છે. આજે ભેજના પ્રમાણમાં એકાએક જોરદાર વધારો થયો છે અને રાજકોટમાં સવારે ભેજ નું પ્રમાણ 90 ટકા નોંધાયું છે જેને લીધે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. બરફીલા પવન અને ઠારના કારણે રાજ્યભરમાં ઠંડીની તીવ્રતા વધારે જ રહી છે. વડોદરામાં 80 સુરતમાં 87 ભાવનગરમાં 83 વેરાવળમાં 81% ભેજ આજે સવારે નોંધાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 75 થી 80% ભેજ નોંધાયો છે અને 12 થી 15 કીલોમીટરની ઝડપે બરફીલો પવન ફુકાયો છે.
રાજકોટમાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. ગઈકાલે 9 અને આજે 9.8 ડીગ્રી લઘુતમ તાપમાન રાજકોટમાં નોંધાયું છે.
ગિરનાર પર્વત ઉપર આજે લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી નોંધાયું છે. ભવનાથ તળેટીમાં 12.2 અને જુનાગઢ શહેરમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. નલિયામાં પણ ઠંડી ઘટી છે. એકાદ ડિગ્રીના વધારા સાથે નલિયામાં આજે લઘુતમ તાપમાન 8.5 ડિગ્રી નોંધાયું છે. અમરેલીમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ગઈકાલે અમરેલીમાં 11.8 અને આજે 9.7 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. ભાવનગરમાં ગઈકાલ જેટલું જ લઘુતમ તાપમાન આજે રહ્યું છે અને આજે 13.4 ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું છે. દ્વારકામાં એક ડિગ્રીના વધારા સાથે આજે 15.4 ડિગ્રી અને ઓખામાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજે 17 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. પોરબંદરમાં ગઈકાલે 11 અને આજે 12.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. વેરાવળમાં એક ડિગ્રીના વધારા સાથે આજે 14.7 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. કંડલામાં આજનું લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી નોંધાયું છે.
અમદાવાદ -ડીસામાં લઘુતમ તાપમાન વધ્યું છે. ત્યારે વડોદરા અને સુરતમાં ઘટાડો થયો છે.
આજે અમદાવાદમાં 15 ડીસામાં 13.5 વડોદરામાં 14 અને સુરતમાં 15.7 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application