BREAKING NEWS

શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો: સેન્સેક્સ 1544 પોઈન્ટ ડાઉન  

  • May 12, 2026 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શેરબજારમાં આજે ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકા પાછળ માત્ર એક કારણ નથી, પણ વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સમીકરણોનું એક મોટું ચક્ર છે. ખાસ કરીને મધ્ય પૂર્વમાં વધતી જતી અશાંતિ અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના કડક વલણે બજારની કમર તોડી નાંખી છે. બજારમાં વેચવાલી એટલી પ્રબળ હતી કે સેન્સેક્સ એક તબક્કે 1544 પોઈન્ટ્સ ગબડીને 74,74471ના સ્તર પર આવી ગયો હતો. બીજી તરફ નિફ્ટીમાં 456 પોઈન્ટ્સનો કડાકો જોવા મળ્યો અને તે 23,556ના સ્તર પર આવી ગયો હતો. 
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના શાંતિ પ્રસ્તાવને સાવ નકારી કાઢ્યો છે. ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને કચરો ગણાવીને કહ્યું કે યુદ્ધવિરામ હવે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. ઈરાનની માંગ હતી કે અમેરિકા નાકાબંધી હટાવે અને યુદ્ધના નુકસાનનું વળતર આપે, જે ટ્રમ્પને મંજૂર નથી. આ નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ગમે ત્યારે મોટું યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વધી ગઈ છે.
યુદ્ધની આશંકા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કે જ્યાંથી દુનિયાનો 20 ટકા  ઓઈલ સપ્લાય પસાર થાય છે, તે બંધ થવાના ડરે બ્રેન્ટ ક્રૂડ 105 ડોલરની ઉપર પહોંચી ગયું છે. ભારત માટે આ મોટો ફટકો છે કારણ કે આપણે આપણી જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરીએ છીએ.
ડોલર સામે રૂપિયો આજે અત્યાર સુધીના સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયો છે. રૂપિયો 95.55 ના સ્તર પર સરકી ગયો છે. જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે આયાત મોંઘી થાય છે અને વિદેશી રોકાણકારો બજારમાંથી નાણાં ખેંચવા લાગે છે, જેની સીધી અસર સેન્સેક્સ પર જોવા મળી રહી છે.
માર્કેટમાં સૌથી વધુ માર આઈટી શેરોને પડ્યો છે. બીજી તરફ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત પાંચમા દિવસે વેચવાલી કરી રહ્યા છે. સોમવારે જ તેમણે 8,438 કરોડના શેર વેચી નાખ્યા હતા, જેનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો.
અમેરિકામાં 10 વર્ષના બોન્ડ યીલ્ડ વધીને 4.423 ટકા થઈ ગયા છે. જ્યારે બોન્ડ યીલ્ડ વધે છે, ત્યારે રોકાણકારો ઈક્વિટી માર્કેટમાંથી પૈસા કાઢીને બોન્ડમાં રોકે છે. ઉપરાંત, આજે નિફ્ટી એફ એન્ડ ઓની એક્સપાયરી હોવાથી માર્કેટમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application