સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે દિશા સમિતિની બેઠક

  • June 03, 2023 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેઠકમાં કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા: જિલ્લાના સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ: સાંસદ

સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત આ બેઠકમાં સાંસદશ્રી દ્વારા વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સરકારી યોજનાઓના લાભો જામનગર જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં આયોજન હાથ ધરી યોગ્ય કામગીરી કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકને સંબોધતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉકેલવાનું માધ્યમ દિશા સમિતિ રહી છે. ત્યારે જિલ્લાને મૂંઝવતા પ્રશ્નો વિશે આ બેઠકમાં ફળદાયી ચર્ચા-વિમર્શ કરી તાલુકા-જિલ્લા સ્તરે સંકલન-સમન્વય સાધીને ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાને વિકાસના માર્ગે આગળ વધારવા સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ જેથી જનતાના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવી શકે. સર્વાંગી વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય તે માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યુ છે.
સરકારની તમામ યોજનાઓ અને સહાયનો લાભ લાભાર્થીઓ સુધી વહેલી તકે પહોંચે તે દિશામાં કામગીરી કરવા માટે સાંસદે લગત અધિકારીઓને સૂચનો કર્યા હતા. આ બેઠક દરમિયાન જિલ્લાના જુદા જુદા વિભાગો હેઠળના યોજનાકીય વિકાસ કામો ગુણવત્તાયુક્ત હાથ ધરાય અને લાભાન્વિત જનસમુદાયને તેના લાભો સમયસર મળી રહે તે માટે ધારસભ્યો, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખો,ચૂંટાયેલા સદસ્યશ્રીઓ સાથે જરૂરી સંકલન અને પરામર્શમાં રહીને વિકાસ કામો હાથ ધરવામાં આવે તે પ્રકારે કામગીરી કરવા સાંસદે ખાસ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં  જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ યોજનાઓ જેવી કે  દિન-દયાળ અંત્યોદય યોજના-નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત સામાજિક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ, કૌશલ્ય તાલીમ અને રોજગાર,સ્વ રોજગાર કાર્યક્રમ,શહેરી શેરી ફેરિયાઓને સહાય,પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અમૃત યોજના હેઠળ થયેલ કામોની સમીક્ષા જેમાં પાણી પુરવઠાના કામો, ભૂગર્ભ ગટરના કામો,ઉધાનો, શહેરી પરિવહનના કામોની ચર્ચા, સંકલિત બાળ વિકાસ યોજના, પીએમ પોષણ યોજના,મધ્યાહન ભોજન યોજના,પીએમ પોષણ યોજનાના લાભાર્થીઓ, ફાળવવામાં આવેલ ગ્રાન્ટ તેમજ લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે કયા પ્રકારે આયોજન હાથ ધરવામાં આવે છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી.તેમજ જામનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરવામાં આવેલા કામો,ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન,પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના,ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ,સમગ્ર શિક્ષા,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના,ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ, પી.એમ.પોષણ યોજના,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના,પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર  કલ્યાણ યોજના, સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગોબરધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી સ્કીમ,ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત કેટલા કામો પૂર્ણ થયા અને હાલ કેટલા કામો ચાલી રહ્યા છે.
તે અંગે સાંસદે તમામ વિગતો મેળવી અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કરી જામનગર જિલ્લાના વિકાસને વધુ વેગ મળે તે પ્રકારે આયોજન હાથ ધરી કામ કરવા જણાવ્યું હતું.તેમજ રેલવે,પીજીવીસીલ અને જેટકોની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મેયર બિનાબેન કોઠારી,જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા,ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખોએ પણ  વિવિધ યોજનાકીય અમલીકરણ બાબતે જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં. આ બેઠકમાં કલેકટર બી.એ.શાહ, કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, ડીઆરએમ રાજકોટ, ડીઆરએમ ભાવનગર, વિવિધ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application