ચોમાસાને માત્ર હવે વીસેક દિવસની વાર છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં તાત્કાલિક પ્રિ-મોન્સુન કામગીરી કરવી જોઇએ: અતિ જર્જરીત મકાનો તાત્કાલિક તોડી પાડવા માંગ: કેનાલ, નાલાની યોગ્ય રીતે સાફ સફાઇ તે માટે વોચની જરુર
જામનગર શહેરમાં હવે ચોમાસુ બેસવાને માત્ર વીસેક દિવસની વાર છે ત્યારે હજુ સુધી દર વખતે થતી પ્રિ-મોન્સુનની કામગીરી શરુ થઇ નથી, તા. ૩૦ જુન સુધીમાં પ્રિ-મોન્સુનની કામગીરી પૂરી થઇ જવી જોઇએ, હવે માત્ર દોઢેક મહિનાની વાર છે ત્યારે તાત્કાલિક નિર્ણય લઇને પ્રિ-મોન્સુન કામગીરી થવી જોઇએ, બીજી તરફ ચોમાસામાં કોઇપણ મકાન તૂટી ન પડે તેવા જર્જરીત મકાનોને તાત્કાલિક તોડી પાડવામાં જોઇએ, કોર્પોરેશન દ્વારા રરર ઇમારતોનું ચેકીંગ કરવામાં આવ્યું છે, જેમાં ૧૪૭ મકાન માલિકોને મકાન રીપેરીંગ કરવા અને અતિ જર્જરીત મકાનો તોડી પાડવા ટીપીઓ શાખા દ્વારા નોટીસ પાઠવી દેવામાં આવી છે.
કોર્પોરેશનની ટીપીઓ, એસ્ટેટ અને ફાયર શાખાની ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, આ સર્વેમાં રરર ઇમારતોને નોટીસ પાઠવવાનું શરુ કરાયું હતું, તેમાંની ૬૧ ઇમારતો રીપેર થઇ ગઇ છે, હવે ચોમાસુ આવવાને માત્ર થોડા દિવસોની વાર છે ત્યારે તાત્કાલિક અસરથી લગભગ રુ. પ૦ લાખના ખર્ચે દર વર્ષે થતી શહેરની પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી શરુ કરવી જોઇએ.
એક તરફ મકાનોને નોટીસ પાઠવી દેવાઇ છે, કેટલાક મકાનોના છજા, ગેલેરી, અગાસીની પારાપીટ ગમે ત્યારે તૂટી પડે એમ છે, જ્યારે ૧૪૦૪ આવાસ યોજનાના જોખમી પ્લેટોને પણ નોટીસ પાઠવીને ૧૧૭ બ્લોકસ પૈકીના ૬૬ બ્લોકના ૭૯ર ફલેટ તોડી પડાયા છે, જ્યારે સાધના કોલોનીના ર૯ બ્લોકના ૩૪૮ ફલેટ પણ તોડી પડાયા છે, આમ એક વર્ષમાં કોર્પોરેશને ૧૧૪૦ આવાસો જર્જરીત હોવાથી દૂર કરાયા છે.
દર વખતે રણમલ તળાવમાં આવતી પાણીની કેનાલ સાફ સફાઇ થાય છે, પરંતુ કેટલીક વખતે યોગ્ય સફાઇ ન થવાને કારણે એમાં આવતું પાણી રોકાઇ જાય છે, આ કેનાલમાં કેટલાક કારખાનેદારો કેમીકલયુક્ત પાણી પણ નાખે છે આવા કારખાનેદારો સામે કડક પગલા લેવા જોઇએ અને આ કેનાલ ચોમાસા સુધી સ્વ્ચ્છ રહે તેવા કોર્પોરેશને પ્રયાસ કરવા જોઇએ.
ગયા વર્ષે પણ કેટલાક વિસ્તારોમાં પ્રિ મોન્સુનની કામગીરી નબળી થઇ હોવાની કેટલીક ફરિયાદો ઉઠી હતી, આ વખતે આ પ્રકારની ફરિયાદો ન ઉઠે તે માટે અત્યારથી ઉચ્ચ અધિકારીઓએ ઘ્યાન રાખવું પડશે અને કોન્ટ્રાક્ટરોને પણ યોગ્ય સૂચના આપવી પડશે. શહેરમાં ખોડિયાર કોલોની કેનાલ, ગુરુદ્વારા વાળી કેનાલ, યોગ્ય રીતે સાફ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં દર વખતે પાણી ભરાઇ છે અને તે ન ભરાઇ તે માટે યોગ્ય કામગીરી કરવી જોઇએ.
જામનગર શહેરના ૧૬ વોર્ડમાં હવે ઝડપણી પ્રિમોન્સુન કામગીરી કરવી જોઇએ, કદાચ તા. ૧પ ના રોજ યોજાનારી સ્ટે. કમિટીની બેઠકમાં આ માટેનું બજેટ પણ પાસ થાય તેવી શક્યતા અને ત્યારબાદ પ્રિમોન્સુનની કામગીરી ઝડપી શરુ થશે, જો કે કેટલાક વિસ્તારોમાં ડી.એન. મોદીની સૂચનાથી ભૂગર્ભ ગટરની કામગીરી શરુ થઇ ચૂકી છે, ચોમાસુ ગમે ત્યારે આવી પહોંચે તે પહેલા જ મોટાભાગની શહેરની ભૂગર્ભ ગટરની સાફ સફાઇ થાય તે પણ ખૂબ જરુરી છે, માટે આ કામગીરી પણ હજુ વધુ વેગવાન બનાવવી જોઇએ.