BREAKING NEWS

અરુણાચલ પ્રદેશના જંગલમાંથી મળી આવ્યો કાદવમાં ઘર બનાવતો ‘માટી એન્જિનિયર’ દેડકો

  • April 23, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતનું ઉત્તર-પૂર્વ રાજ્ય અરુણાચલ પ્રદેશ જૈવવિવિધતાનો ખજાનો ગણાય છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ નામદાફા ટાઈગર રિઝર્વના ગાઢ જંગલોમાં દેડકાની એક એવી પ્રજાતિ શોધી કાઢી છે જેણે જીવવિજ્ઞાનીઓને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. આ દેડકો તેની અનોખી ઘર બનાવવાની કળાને કારણે 'માટી એન્જિનિયર'  તરીકે ઓળખાઈ રહ્યો છે. ભારતમાં આ પ્રકારની પ્રજાતિ અને તેની વર્તણૂક પ્રથમ વખત સત્તાવાર રીતે નોંધવામાં આવી છે.


સામાન્ય રીતે દેડકાઓ નદી, નાળા કે સ્થિર પાણીમાં અથવા ભીના પાંદડાઓ પર પોતાના ઇંડા મૂકતા હોય છે. પરંતુ અરુણાચલમાંથી મળી આવેલી આ નવી પ્રજાતિ, જેનું વૈજ્ઞાનિક નામ લિમ્નોનેક્ટેસ લોંગચુઆનેન્સિસ છે, તે કાદવનો ઉપયોગ કરીને જમીન પર પડેલા સૂકા પાંદડાની નીચે પોતાનો માળો બનાવે છે. કાદવમાંથી ઘર બનાવવાની આ કુશળતાને કારણે સંશોધકો તેને કુદરતનો નાનો એન્જિનિયર માની રહ્યા છે. અગાઉ આ પ્રજાતિ માત્ર ચીન અને મ્યાનમારમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે ભારતીય સીમામાં તેની હાજરીથી વૈજ્ઞાનિકો ઉત્સાહિત છે.


આ દેડકાનું સૌથી આકર્ષક પાસું તેનું શારીરિક બંધારણ છે. આ દેડકા કદમાં ખૂબ જ નાના હોય છે, જેની લંબાઈ માત્ર 2.3થી 3.5 સેમી સુધીની હોય છે. તેને "ફેંગ્ડ ફ્રોગ" કહેવામાં આવે છે કારણ કે નર દેડકાના નીચલા જડબા પર દાંત જેવા વિશિષ્ટ પ્રોજેક્શન (ઉભરેલા ભાગ) હોય છે. આ 'દાંત' જેવી રચના તેને અન્ય સામાન્ય દેડકાઓથી અલગ પાડે છે.


વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ દેડકાને ઓળખવા માટે તેની પીઠ પરની આકૃતિ ખૂબ મહત્વની છે. તેની બંને આંખોની વચ્ચે ઘેરા ભૂરા રંગની એક સ્પષ્ટ રેખા જોવા મળે છે. આ ઉપરાંત, તેની પીઠ પર અંગ્રેજી અક્ષર "વી" આકારનું ઊંધું ચિહ્ન હોય છે. તેનો રંગ જંગલની જમીન અને સૂકા પાંદડા સાથે ભળી જાય તેવો હોવાથી તેને કુદરતી રક્ષણ પણ મળે છે.


નામદાફા નેશનલ પાર્કમાં થયેલું આ સંશોધન સૂચવે છે કે હિમાલયની તળેટીમાં હજુ પણ અનેક અજાણી પ્રજાતિઓ છુપાયેલી છે. આ શોધ માત્ર દેડકાની નવી પ્રજાતિ વિશે જ નથી, પરંતુ તે બદલાતી ઇકોસિસ્ટમમાં પ્રાણીઓ કેવી રીતે અનુકૂલન સાધે છે તે સમજવામાં પણ મદદરૂપ થશે. 'માટી એન્જિનિયર' દેડકાના સંરક્ષણ માટે હવે વન વિભાગ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application