સ્માર્ટ સિટીના સ્માર્ટ રાજકોટીયન્સ ડિજિટલ ટ્રાન્જેક્શનમાં નંબર વન

  • November 27, 2023 01:30 PM 

સ્માર્ટ સિટીના કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા માપદંડમાં અનેક બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા આગળ છે અને અમુકમાં હજુ આગળ આવવાનો મેળ ખાતો નથી. પરંતુ ડિજિટલ ટ્રાન્જેક્શન ની વાત કરીએ તો સ્માર્ટ સિટીનો નાગરિક ઘણો સ્માર્ટ થઈ ગયો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રાજકોટ મહાનગરપાલિકાને આ શહેરના નગરજનોએ વોટસએપ, ગુગલ ફોનપે, વગેરે જેવા ટેકનોલોજીના આધુનિક માધ્યમોથી ચાલુ વર્ષે માત્ર ૮ મહિનામાં ૧૬૩ કરોડની રકમ જમા કરાવી છે. અગલા વર્ષે આ રકમ ૧૦૧ કરોડની હતી અને તેની સરખામણીએ ચાલુ વર્ષે ૮ મહિનામાં જ ગયા વર્ષ કરતાં ૬૨ કરોડ વધુ મળી ગયા છે અને હજુ ચાર મહિના બાકી છે. તેથી રાજકોટવાસીઓ આ મામલે નવો રેકોર્ડ સ્થાપિત કરે તો નવાઈ નહીં.


રાજકોટ મહાનગરપાલિકાએ વેરા ચુકવણીમાં અપનાવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અત્યારે અન્ય મહાનગરપાલિકાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થઈ રહી છે. એક સમય એવો હતો કે મહાનગરપાલિકામાં ટેક્સ ભરવા માટે કરદાતાઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. તડકો અને ગરમી સહન કરવા પડતા હતા. પાણી જેવી સામાન્ય સુવિધા માટે પણ લડવું ઝગડવું પડતું હતું.સામી બાજુ મહાનગરપાલિકાને પણ ટેક્સ કલેક્શન માટે ફાઇનાન્સિયલ યરના એન્ડિંગમાં વધારાની વ્યવસ્થા કરવી પડતી હતી અને આમ બંને પક્ષે મુશ્કેલી ઘણી વધારે હતી. પરંતુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અમલમાં મુકાતા રાજકોટના નાગરિકો તેનો ભરપૂર લાભ લઈ રહ્યા છે.મહાનગરપાલિકાને વધારાની વ્યવસ્થા કરવાનો ખર્ચ ઓછો થઈ ગયો છે અને સામી બાજુ કરદાતાઓને હવે લાઈનમાં ઊભા રહેવાની ઝઝટમાંથી મુક્તિ મળી છે. નાગરિકો હવે ઘરે બેઠા મોબાઈલમાં ગણતરીની સેકન્ડમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને સરળતાથી સલામત રીતે પોતાનો વેરો ચૂકવી દે છે. વેરો ચૂકવાઇ ગયો છે તેની પહોંચ પણ ડિજિટલ મળી જાય છે. દરેક કરદાતા પોતાની વેરા ચુકવણીનો ટ્રેક રેકોર્ડ પણ ઓનલાઇન જોઈ શકે છે અને આ જ કારણ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાની કર વસૂલાત અને ડિજિટલ ટ્રાન્જેક્શન વધ્યા છે. માત્ર ટેક્સ પેમેન્ટમાં જ ડિજિટલ ટ્રાન્જેક્શન વધ્યા છે તેવું નથી પરંતુ એપ્રિલ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ સુધીમાં ૧૦૧ કરોડની વેરા ચુકવણી ઓનલાઇન સિસ્ટમથી થઈ છે. તેમાં ૨.૨૫ લાખ ટ્રાન્ઝેક્શન થયા છે. વર્ષ ૨૦૨૩ માં ૨.૯૭ લાખ ડિજિટલ ટ્રાન્જેક્શન થયા છે અને ૧૬૧ કરોડ રૂપિયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ પેટે બેઠા બેઠા મળી ગયા છે. એપ્રિલ થી નવેમ્બરના આઠ મહિનામાં ૧૬૩ કરોડની વેરાની આવક એક નવો જ રેકોર્ડ બની ગયો છે.


માત્ર મહાનગરપાલિકામાં આવું થાય છે તેમ નથી. એસટી બસોમાં યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ દાખલ કરાતાની સાથે જ મુસાફરો તેનો મોટા પ્રમાણમાં લાભ રહી રહ્યા છે. રાજકોટ એસટી વિભાગની બસોમાં મુસાફરી કરતા લોકો દ્વારા દરરોજનું રૂપિયા ૨.૫૦ લાખથી વધુનું ડિજિટલ ટ્રાન્જેક્શન થઈ રહ્યું હોવાનું એસટીના સત્તાવાર સાધનો જણાવી રહ્યા છે. એસટી બસોમાં આ મુજબ મુસાફરી કરવાનો ઝોક સતત વધી રહ્યો છે. ગત તારીખ ૨૬ ઓક્ટોબરથી એસટીમાં આ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે અને એક મહિના જેટલા સમયમાં રોજના અઢીથી ત્રણ લાખ જેટલી કિંમતનું ઓનલાઇન પેમેન્ટ ક્યુઆર કોડ સ્કેન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ દિન પ્રતિદિન સતત આગળ વધી રહી છે.
રાજકોટ વિભાગ હેઠળના ૧૦ ડેપોની દરરોજ ૨૬૦૦ જેટલી ટ્રીપ થાય છે અને તેમાં આશરે ૧,૨૦,૦૦૦ જેટલા મુસાફરો પ્રવાસ કરે છે આ પ્રવાસીઓ દ્વારા એસટીને રૂપિયા ૬૦ લાખ જેટલી આવક થાય છે. શહેરી યુવાનોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમે ધીમે યુપીઆઈ સિસ્ટમમાં પ્રવાસીઓ જોડાઈ રહ્યા છે.


એસટી વિભાગના અધિકારીઓ કહે છે કે એર કન્ડિશન બસ, એક્સપ્રેસ બસ, ઇલેક્ટ્રીક બસ અને વોલ્વોમાં આ પ્રકારે પેમેન્ટનું પ્રમાણ વધી ગયું છે.લોકોને ડિજિટલ સિસ્ટમથી પેમેન્ટ કરવાની પ્રેરણા મળે તે માટે દરેક બસમાં અમે યુપીઆઈ પેમેન્ટ સ્વીકારીએ છીએ તેવા સ્વીટ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમથી પ્રવાસીઓને તો રાહત થઈ છે પરંતુ કંડકટરને પણ હવે ઘણી રાહત થઈ છે. વધારે પડતી રોકડ સાથે રાખવાની હવે જરૂર નથી. એટલું જ નહીં છુટા પૈસા નથી તેવા વારંવાર આપવા પડતા જવાબોમાંથી પણ મુક્તિ મળી ગઈ છે.


એસટીની ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ બાબતે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે મુજબ કંડકટરને આપવામાં આવેલા ડિવાઇસમાં ટિકિટ ની માહિતી આપ્યા બાદ પેમેન્ટ રીસીવમાં યુપીઆઈનું બટન આપેલું હોય છે જે પ્રેસ કરતા ક્યુઆર કોડ આવે છે. જેને પેસેન્જર સ્કેન કરી પેમેન્ટ કરી આપે છે. જો કોઈ પેમેન્ટ ફેઇલ જાય તો મુસાફરને ૨૪ કલાકમાં રિફંડ મળી જતું હોય છે અને આમ છતાં જો કોઈ ફરિયાદ હોય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ અથવા ૦૭૯- ૨૮૩૫૦૦૦ નંબર પર જાણ કરીને રિફંડ મેળવી શકાય છે.


માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર દેશમાં ડિજિટલ ટ્રાન્જેક્શન ની સંખ્યા ઘણી વધી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ દિવાળીના તહેવારો દરમિયાન રોકડ વ્યવહારમાં ૫૯૩૪ કરોડનો ઘટાડો થયો છે. તારીખ ૧૦ થી ૧૭ નવેમ્બર દરમિયાન ડિજિટલ પેમેન્ટ ૧.૩૬ લાખ કરોડ વધ્યું છે અને આ દિવાળીના સમયગાળા દરમિયાન કુલ ૩૩.૬૬ લાખ કરોડના ટ્રાન્જેક્શન થયા હતા. તેમાંથી ડિજિટલ પેમેન્ટ ઘણું વધારે રહ્યું છે.
​​​​​​​
સરકારે રુ. ૨,૦૦૦ ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેતા તારીખ ૩૦ સપ્ટેમ્બર ની સ્થિતિ સુધીમાં આવી ૨૦૦૦ની ૯૭% નોટ પરત ફરી છે અને મોટી નોટ ચલણમાંથી પાછી ખેંચાઈ જતા લોકો ધીમે ધીમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ આગળ વધી રહ્યા છે. એક તરફ ડિજિટલ ફ્રોડની સંખ્યા વધી રહી છે તો બીજી બાજુ જો આવા કિસ્સામાં તાત્કાલિક અને નક્કી કરાયેલી સિસ્ટમ મુજબ બેંકમાં ફરિયાદ કરવામાં આવે તો નાણાં ગુમાવવાનો વારો આવતો નથી. બીજી બાજુ મોટાભાગના લોકો અલગ અલગ બે મોબાઈલ રાખતા હોય છે. જેમાંથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય તેમાં ટ્રાન્જેક્શન જેટલી જ અથવા તો તેનાથી થોડી વધારે રકમ બેન્ક એકાઉન્ટમાં હોય છે અને જો ફ્રોડ થાય તો ખાસ કશું ગુમાવવાનું થતું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application