જામનગર વિજ પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટર અને સપ્લાયર સહિત છ ની અટકાયત

  • August 31, 2023 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલવડાનેશની ખાણમાંથી પકડાયેલી મસમોટી વિજ ચોરીનું પ્રકરણ: ૫૪.૮૧ લાખની વિજ ચોરીના કેસમાં વિજ તંત્રની તપાસમાં વધુ આરોપીઓ પકડાયા : ટીસી ચોરીને ગેરકાયદે વેચાણ કરી લગાડેલાનું સામે આવ્યું

જામજોધપુર તાલુકાના માલવડાનેસ ગામમાં પથ્થરની ખાણમાં ગેરકાયદે વીજ જોડાણ મેળવી વિજ ચોરી કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતાં રૂપિયા ૫૪ લાખ ૮૧ હજારની વિજ ચોરી પકડી પાડી હતી. જે સ્થળેથી ગેરકાયદે વીજ ટ્રાન્સફોર્મર ચોરી કરીને લગાવાયું હોવાનું પણ ખુલ્યું હોવાથી જામનગર વીજ પોલીસ ટીમની ઊંડાણપૂર્વકની તપાસના અંતે સમગ્ર પ્રકરણમાં વિજ ટ્રાન્સફોર્મર ખરીદનાર, વેચનાર, કોન્ટ્રાક્ટર, સપ્લાયર સહિત છ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે.
જી.યૂ.વી.એન.એલ. દ્વારા ગત ૨૪.૧.૨૦૨૩ના દિવસે જામજોધપુર તાલુકાના માલવડાનેસમાં ગેરકાયદે બેલા નું કટિંગ કરી તેનું ખનન કરવામાં આવે છે, જેના માટે મોટા પાયે વીજ ચોરી કરાઈ રહી છે, તેવી માહિતીના આધારે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન થેડાભાઈ નથુભાઈ વૈઇશ નામના શખ્સ દ્વારા ગેરકાયદે વીજ સપ્લાય મેળવી ખનન કરવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેના દ્વારા ૩૭.૭૭૦ કિલો વોટ નો વિજભાર વપરાશમાં લઈને ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેને ૫૪,૮૧,૩૩૨ નું વીજ ચોરીનું બિલ અપાયું હતું, અને તેની સામે જામજોધપુર ઇસ્ટ સબ ડિવિઝનના નાયબ ઇજનેર સિરીશકુમાર પટેલે વિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક વી એમ જાડેજા (રાજકોટ)ના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી હતી, અને જામનગર જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. ઝાલા અને તેઓની ટીમના હેડ કોન્સ્ટેબલ રણજીતસિંઘ લૂબાના, ઉપરાંત વિશેષ સહાયક અશોકભાઈ કલ્યાણી, શૈલેષભાઈ બાબરીયા વગેરે દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી હતી અને આ પ્રકરણમાં વીજ ચોરીની સાથે સાથે વિજ તંત્રનું એક ટ્રાન્સફોર્મર પણ ચોરી કરીને ગેરકાયદે ખરીદ અને તેનું વેચાણ કરવામાં આવ્યું હતું, અને અહીં લગાવવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જે સમગ્ર પ્રકારની તપાસ કર્યા પછી વીજ પોલીસ ની ટિમ દ્વારા આ પ્રકરણમાં મુખ્ય આરોપી થેડાભાઈ નથુભાઈ તેમજ ટ્રાન્સફોર્મર વેચનાર ઉપલેટા ના ચંદ્રેશ છનાભાઈ વાંદા, તેમજ ટ્રાન્સફોર્મર પહોંચાડનાર જામજોધપુર તાલુકાના પરડવાના ફૈઝાન ફિરોજભાઈ જાખરાણી, અને જામકંડોરણા ના ઈકબાલ જમાલભાઈ કડીવાર, ઉપરાત ટ્રાન્સફોર્મર કોન્ટ્રાક્ટ કામ ના સુપરવાઇઝર જેતપુરના નવનીત અરવિંદભાઈ રાબડીયા અને પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર કોન્ટ્રાક્ટર જેતપુરના પિયુષભાઈ વલ્લભભાઈ રામોલિયા વગેરેની પણ અટકાયત કરી લેવામાં આવી હતી, અને તમામ આરોપીઓને જામનગરની અદાલત રજૂ કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવી હતી, જે દરમિયાન વીજ ચોરીની કલમ ૧૩૫ ઉપરાંત વિજ ટ્રાન્સપોર્ટ મટીરીયલ ગેરકાયદે રીતે ચોરી કરવા અને તેને વેચીને વીજ ચોરી કરાવવામાં અને જામજોધપુર વિસ્તારમાં પૂરું પાડવામાં મિલાપી પણું જોવા મળ્યું હોવાથી અને તેના પુરાવાઓ મળ્યા હોવાથી આ પ્રકરણમાં ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ ૧૩૬ અને ૧૫૦ ની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application