જામનગર પંથકમાં યમનું કાળચક્ર: અપમૃત્યુના છ બનાવ

  • May 23, 2023 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાઘેડીની મહિલાનો એસિડ પી આપઘાત : સગાડિયા ગામની પરણીતાનો ગળાફાંસો : વાગુદડ ગામમાં ઉલ્ટીઓ થવાથી શ્રમિકનું મૃત્યુ : સેનાનગરમાં યુવાનનું માથામાં ઇજા થતા મૃત્યુ : ગોકુલનગરમાં યુવાનનો એટેક આવતા ભોગ લેવાયો

જામનગર શહેર અને જિલ્લામાં યમનું કાળચક્ર ફરી વળ્યું છે, જુદા જુદા અપમૃત્યુના છ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે, જેમાં નાઘેડીની મહિલાએ એસીડ પી આપઘાત કરી લીધો હતો, સગડીયામાં યુવતિએ ગળાફાંસો ખાધો હતો, વાગુદડમાં ઉલ્ટીઓ થવાથી પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ થયુ હતું, જયારે સેનાનગરમાં બાથરુમમાં પડી જતા માથામાં ઇજા થવાથી યુવાનનું મૃત્યુ નિપજયુ હતું, ગોકુલનગરના યુવાનનું હાર્ટએટેકથી અને કર્મચારીનગરના વૃઘ્ધનું શ્ર્વાસની તકલીફ થવાથી સારવારમાં લઇ જતા પ્રાણપંખેરુ ઉડયુ હતું.
જામનગર તાલુકાના નાઘેડીમાં રહેતી નીતાબા કનકસિંહ ચૌહાણ નામની ૩૦ વર્ષની યુવતીએ છેલ્લા બે વર્ષની પોતાની બીમારીથી કંટાળી જઈ ઘરમાં પડેલું એસીડ પી લીધું હતું, અને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ધ્રોલ તાલુકાના સગાડિયા ગામમાં પરણાવેલી જલ્પાબેન ભુપતભાઈ બાંભવા નામની ૨૩ વર્ષની ભરવાડ યુવતી, કે જે ગઈકાલે પોતાના માવતરે જોડિયા ગામે આંટો દેવા માટે આવી હતી, જ્યાં કોઈ અગમ્ય કારણોસર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે કિશનભાઇ લખમણભાઇ ઝાપડાએ પોલીસને જાણ કરતાં જોડીયા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુરનો વતની અને ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં નીરુભા માવુભા જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુરેશ બીરજુભાઈ ઉર્ફે વિજયસિંહ બામણીયા (ઉ.વ.૩૮) જેને શાક બનાવતી વેળાએ એકાએક ઉલટીઓ થવા લાગી હતી, અને સારવાર માટે ધ્રોલની હોસ્પિટલમાં લઈ જવાયા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની ધુનકીબેન સુરેશભાઈ બામણીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં સેનાનગર સોસાયટીમાં રહેતા હરજીવનભાઈ મોહનભાઈ વણોલ નામના ૪૭ વર્ષના યુવાનને પોતાના ઘેર બાથરૂમમાં એકાએક ચક્કર આવવાના કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, અને તેનું બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની પાર્વતીબેન હરજીવનભાઈ વણોલે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના ગોકુલનગર નજીક પાણાખાણ શેરી નંબર-૪માં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ હસમુખભાઈ મકવાણા નામના ૪૫ વર્ષના યુવાનને પોતાના ઘેર એકા એક છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. મૃતકના સંબંધી રમેશભાઈ ચનાભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર તાલુકાના લાલપુર બાયપાસ રોડ પર જિલ્લા પંચાયતના કર્મચારી નગર ૨૫૧માં રહેતા અનિરુદ્ધસિંહ ખેંગારજી જાડેજા (૫૬ વર્ષ), કે જેઓને પોતાના ઘરે એકાએક છાતિમાં દુખાવો ઉપડ્યો હતો, અને શ્ર્વાસની તકલીફ થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. મૃતક કેન્સરની બીમારીથી પીડાતા હોવાનું પુત્ર બ્રિજરાજસિંહ જાડેજા દ્વારા જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application