સિંગાપોર એરલાઈન્સને મળી  FDIની મંજૂરી, વિશ્વની અગ્રણી એરલાઈન્સમાં જોડાશે એર ઈન્ડિયા

  • August 30, 2024 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંગાપોર એરલાઈન્સને ભારત સરકાર તરફથી FDIની મંજૂરી મળી છે. આ સાથે એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સના વિલીનીકરણ તરફ મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. આ ડીલને કારણે એર ઈન્ડિયા વિશ્વના સૌથી મોટા એરલાઈન ગ્રુપમાં સામેલ થઈ જશે. આ ઉપરાંત સિંગાપોર એરલાઈન્સનો તેમાં 25.1 ટકા હિસ્સો હશે.

ભારત સરકારે સિંગાપોર એરલાઈન્સને FDIની મંજૂરી આપી

સિંગાપોર એરલાઇન્સ (SIA) એ આજે જણાવ્યું હતું કે તેને ભારત સરકાર તરફથી સીધા વિદેશી રોકાણ (FDI)ની મંજૂરી મળી છે. આ મર્જર આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ મર્જરની જાહેરાત નવેમ્બર 2022માં કરવામાં આવી હતી. એર ઈન્ડિયા ટાટા ગ્રુપની માલિકીની છે. જ્યારે વિસ્તારા સંયુક્ત સાહસ છે. તેમાં ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સની 51 અને 49 ટકા ભાગીદારી છે.

એર ઈન્ડિયા અને વિસ્તારાનું મર્જર યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે


સિંગાપોર એરલાઇન્સે આજે સિંગાપોર સ્ટોક એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે મર્જરની દિશામાં આ એક મોટી સફળતા છે. એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સનું મર્જર યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. એફડીઆઈને મંજૂરી મળતાં મર્જરનો માર્ગ સરળ બન્યો છે. ભારતીય કાયદા અનુસાર અમે આ દિશામાં સારી પ્રગતિ કરી રહ્યા છીએ. આ મર્જર આગામી થોડા મહિનામાં પૂર્ણ થશે. અમારો પ્રયાસ ડિસેમ્બર 2024 સુધીમાં આ લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.

NCLT અને CCI તરફથી મળી ચૂકી છે મંજૂરી

એરલાઈને કહ્યું કે અગાઉ આ મર્જર 31 ઓક્ટોબર, 2024 સુધીમાં પૂર્ણ થવાનું હતું. જોકે વિવિધ કારણોસર તેમાં થોડો વિલંબ થયો છે. ટૂંક સમયમાં નિશ્ચિત તારીખ જાહેર કરવામાં આવશે. આ મર્જરને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) દ્વારા જૂનમાં મંજૂરી આપવામાં આવી હતી. માર્ચમાં સિંગાપોરના કોમ્પિટિશન કમિશન CCCSએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અગાઉ  ભારતના પ્રતિસ્પર્ધા આયોગે સપ્ટેમ્બર, 2023માં તેને મંજૂરી આપી હતી. સિંગાપોર એરલાઈન્સે કહ્યું કે મર્જરને લઈને મોટી જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application