BREAKING NEWS

રાજકોટમાં સિક્યુરિટી ગાર્ડને ડિજિટલ એરસ્ટ કરી 9 લાખ પડાવ્યા, સાયબર માફિયાઓએ મુંબઇની કોલોબા પોલીસની ઓખળ આપી જાળમાં ફસાવ્યા

  • May 07, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના બની છે. ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને બેંકમાં સિકિયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરનાર પ્રૌઢને કોલ કરી મુંબઇ કોલાબા પોલીસની ઓળખ આપી મની લોન્ડરીંગમાં સંડોવાયેલા હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કર્ય હતાં. બાદમાં ધમકાવી પ્રૌઢ પાસેથી રૂ.૯ લાખની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


ગાંધીગ્રામમાં લાખના બંગલા મેઈન રોડ પર મારૂતિ હોલવાળી શેરી ન્યુ મહાવીરનગર શેરી નંબર ત્રણમાં રહેતા પ્રકાશભાઈ ચંદુભાઈ ચૌહાણ(ઉ.વ.૫૦) દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં અજાણ્યા વોટ્સએપ નંબર, કેનેરા બેન્ક અને પંજાબ બેંકના એકાઉન્ટધારકના નામ આપ્યા છે.પ્રૌઢે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં માતા જયાબેન (ઉ.વ. 75) સાથે રહે છે અને ગોંડલ રોડ પર આવેલી એચડીએફસી બેન્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નાઈટ સિફટમાં નોકરી કરે છે.

ગઈ તારીખ 1/2/2026 ના ફરિયાદીના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ સંદીપ આપ્યું હતું અને પોતે મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાંથી બોલે છે તેવી ઓળખ આપી કહ્યું હતું કે, તમારા નામે કેનેરા બેન્કમાં ખાતું છે જેનો ઉપયોગ મનીલોન્ડરીંગ માટે થયો છે અને તમે નરેશ ગોહિલ નામના ગુનેગાર સાથે સંડાવેલા છો. આ સાંભળી ફરિયાદી ગભરાઈ ગયા હતા. બાદમાં આ શખસે તપાસના બહાને ફરિયાદીના આધાર કાર્ડનો ફોટો માંગ્યો હતો જે મોકલતા બાદમાં આ શખસે કહ્યું હતું કે, અમારા મોટા સાહેબ સાથે વિડીયો કોલમાં વાત કરો એમ કહી રાજેશ સર સાથે વાત કરાવી હતી બાદમાં તેણે કોલાબા પોલીસ પોલીસ સ્ટેશન નામના એક વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદીને એડ કર્યા હતાં.


ત્યાર પછી ફરિયાદી નાઈટ શિફટની નોકરી પૂરી કરી ઘરે પરત ફરે ત્યારે તુરંત જ વીડિયો કોલ કરતા હતા અને રોજ ફરિયાદીની હિલચાલની અપડેટ લેતા હતા. આ વિશે કોઈ સંબંધી પાડોશી પોલીસને વાતચીત કરવાની ના પાડતા હતા અને કોઈને કહેશો તો તમને અને તમારી માતાને મારી નાખીશું અને તમારા મકાનને સીલ મારી દઈશું તેવી ધમકી આપતા હતા.


ત્યારબાદ તા. 4/2/2026 ના ફરિયાદીને પૂછ્યું હતું કે, તમારી પાસે કુલ કેટલી બચત છે જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, 15 લાખના શેર છે આ શખસોએ આ વેચી નાખવાનું કહેતા ફરિયાદી એ કહ્યું હતું કે, હું હમણાં શેર વેચીશ તો મારે ખોટ જશે જેથી આ શખસોએ કહ્યું હતું કે, તમારે જેટલા પૈસાની ખોટ જશે તે પૈસા તમને મોદી સબસીડી મારફત આપી દેશે. જેથી ફરિયાદીએ પોતાના શેર વેચી નાખ્યા હતા જેમાં તેને છ લાખની ખોટ ગઈ હતી અને તેની પાસે નવ લાખ આવ્યા હતા. જેમાંથી એક લાખ ફરિયાદી પર દેણું હોય જે ચૂકવી આપ્યું હતું બાદમાં આઠ લાખ તેમની પાસે હોય આ શખસોએ કહ્યું હતું કે, આ રકમ ફ્રોડની છે કે કેમ ચેક કરવા માટે તેમણે આપેલા કેનેરા બેન્કના એકાઉન્ટ નંબરમાં જમા કરવા પડશે જેથી ફરિયાદીએ તેમના જણાવ્યા મુજબ એચડીએફસી બેન્કમાંથી આઠ લાખ આરટીજીએસસી ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ વોટ્સએપ નંબર પરથી અવારનવાર ફોન અને મેસેજ કરતા હતા.


ત્યારબાદ તા. 17/2/2026 ના ફરી ફોન આવ્યો હતો અને તારીખ 24/2/2026 ના કેસમાં બેલ મેળવવા માટે પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી ફરિયાદીએ કહ્યું હતું કે, મારી પાસે પાંચ લાખની વ્યવસ્થા થાય તેમ નથી તેથી છેલ્લે તેમણે એક લાખ પર સહમતિ દર્શાવી હતી. ફરિયાદીએ તેના મિત્રવર્તુળ પાસેથી નાણા મેળવી એક લાખ પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.


ત્યારબાદ પ્રૌઢે આ બનાવ બાબતે તેના મિત્ર છોટુભાઈ વ્યાસને જાણ કરતા તેણે સાયબર ફ્રોડ થયું હોવાનું કહેતા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી ફરિયાદ કરી હતી. આમ ફરિયાદીને મુંબઈ કોલાબા પોલીસની ખોટી ઓળખ આપી મની લોન્ડરીંગમાં સંડોવાયેલા હોવાનું જણાવી વીડિયો કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા નવ લાખ આરટીજીએસથી ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હોય જે અંગે પ્રૌઢે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વોટ્સએપ નંબર અને એકાઉન્ટ નંબરના આધારે આ ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પીઆઇ સી.વાય. મહાલે ચલાવી રહ્યા છે.


પ્રૌઢે શેરમાં છ લાખની ખોટ ખાઇ પૈસા ચૂકવ્યા

પ્રૌઢ પાસે 15 લાખના શેર હોય આ શખસોએ આ વેચી નાખવાનું કહ્યૂં હતું. ફરિયાદીએ કહ્યું હતું કે, હમણાં શેર વેચીશ તો મારે ખોટ જશે જેથી આ શખસોએ કહ્યું હતું કે, તમારે જેટલા પૈસાની ખોટ જશે તે પૈસા તમને મોદી સબસીડી મારફત આપી દેશે. જેથી ફરિયાદીએ પોતાના શેર વેચી નાખ્યા હતા જેમાં તેને છ લાખની ખોટ ગઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application