તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાનમાં પોલીસ તાલીમ શાળા પર આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ આ હુમલાને નિષ્ફળ બનાવ્યો. એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે ત્રણ પોલીસકર્મીઓ પણ માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ હુમલો પ્રતિબંધિત જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ શાળામાં ઘૂસીને મોટો હુમલો કરવાનો ઇરાદો ધરાવતા હતા, પરંતુ પોલીસે તેમને જવાબી કાર્યવાહી કરીને નિષ્ફળ બનાવ્યા.
પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ડેરા ઇસ્માઇલ ખાનના ડીપીઓ દ્વારા કરવામાં આવી હતી. તાજેતરમાં પાકિસ્તાનમાં તહેરિક-એ-તાલિબાનના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન, અફઘાન તાલિબાન સાથેના સંબંધોમાં ખટાશ પણ પાકિસ્તાન માટે મુશ્કેલીનું કારણ બની રહી છે.
બીજી તરફ, શુક્રવારે પંજાબ પ્રાંતના ચિનાબમાં અહમદી સમુદાયની બૈત-ઉલ-મહદી મસ્જિદમાં શુક્રવારની નમાજ પછી આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ઘણા સ્વયંસેવકો ઘાયલ થયા હતા અને એક હુમલાખોરનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના પાકિસ્તાનમાં અહમદી મુસ્લિમ સમુદાય પર વધતા લક્ષિત હુમલાઓનું નવીનતમ ઉદાહરણ છે. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે, જ્યારે સમુદાયે સરકાર પાસે ગુનેગારોને જલ્દીથી ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.