કાલે જિલ્લા પંચાયતના પદાધિકારીઓની પસંદગી માટે નિરીક્ષકો આવશે

  • August 31, 2023 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેનની વરણી માટે સૅન્સ લેવાશે: વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને સ્થાન નહીં મળે

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગી માટે ભાજપના નિરીક્ષકો આવતીકાલ તા.૧ના રોજ જામનગર આવી રહ્યાં છે, અગાઉ ભાજપના ૧પ જેટલાં અગ્રણીઓને ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ નોટિસો પાઠવવામાં આવી હતી અને કેટલાંક લોકો ‘આપ’નો પ્રચાર કર્યો હોવાની વિગતો ખૂલી હતી. ત્યારે કાલે નિરીક્ષકો બ્રિજેશભાઈ મેરજા, ગોવિંદભાઈ પટેલ અને વંદનાબેન મકવાણા સમક્ષ સભ્યોની સૅન્સ લેવામાં આવશે.
હાલના પ્રમુખની મુદ્દત તા.૧૬ના પૂરી થાય તે પહેલાં ભાજપ દ્વારા સૅન્સ પ્રક્રિયા પણ કરવામાં આવશે. આવતીકાલે તમામને સાંભળવામાં આવશે, ખાસ કરીને ગામડાના કેટલાંક અગ્રણીઓએ વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે ખૂલ્લેઆમ ‘આપ’ના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો જેની પ્રદેશ કક્ષાએ નોંધ લેવાઈ હતી તેવા જૂથના કોઈપણને આ વરણીમાં તક નહીં અપાય તેમ જાણવા મળે છે.
જિલ્લા પંચાયત ઉપરાંત છ તા.પં.માં પણ પદાધિકારીઓની વરણી કરવામાં આવશે, ખાસ કરીને ખડી સમિતિના ચેરમેનની મુદ્દત પણ પૂરી થનાર છે ત્યારે ભાજપ દ્વારા હવે ગુપ્ત રીતે પણ અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અઢી વર્ષના ગાળામાં જેમણે જિલ્લા પંચાયતના કામોમાં ગોબાચારી કરી છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે તેઓ પણ ભાજપ સંગઠ્ઠન પાંખના રડારમાં હોવાનું જાણવા મળે છે. સૅન્સ બાદ પ્રદેશ કક્ષાએ નિરીક્ષકો પોત પોતાનો રિપોર્ટ આપી દેશે.
બીજી તરફ દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ માટે ખંભાળિયા ખાતે સવારે ૯થી ૭ સુધી પ્રભારીઓ સભ્યો તેમજ રાજકીય અગ્રણીઓની સૅન્સ લેશે. આમ જામનગર અને દ્વારકા જિલ્લાના રાજકારણમાં હાલ તો ભારે ચહલ-પહલ મચી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application