ભારતીય સંસ્કૃતિમાં પરીક્ષા આપવા જતાં પહેલાં, પ્રવાસની શરૂઆતમાં કે કોઈપણ મંગળ કાર્ય અગાઉ દહીં-ખાંડ ખવડાવવાની જૂની પ્રથા છે. સામાન્ય રીતે લોકો આ રિવાજને માત્ર સારા શુકન સાથે જોડે છે, પરંતુ વડીલોની આ પરંપરા પાછળ ઊંડું તબીબી વિજ્ઞાન છુપાયેલું છે. તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો દહીં અને ખાંડનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને પેટ માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે.
દહીં અને ખાંડ સાથે ખાવાના મુખ્ય સ્વાસ્થ્ય લાભો
પાચનતંત્ર મજબૂત બને છે
દહીં કુદરતી પ્રોબાયોટીક્સ એટલે કે હેલ્ધી બેક્ટેરિયાનો મોટો સ્ત્રોત છે. તે આંતરડાના સ્વાસ્થ્ય (Gut Health) ને સુધારે છે અને પાચનક્રિયાને તેજ બનાવે છે. નિયમિત દહીં ખાવાથી પેટ ફૂલવું (બ્લોટિંગ) અને કબજિયાત જેવી તકલીફોમાં રાહત મળે છે.ત્વરિત ઊર્જા (Instant Energy): દહીંમાં થોડી માત્રામાં ખાંડ ઉમેરવાથી શરીરમાં ગ્લુકોઝનું સ્તર તુરંત વધે છે. આનાથી શરીર અને મગજને તરત જ ઊર્જા મળે છે, જે અગત્યના કામો કરતી વખતે એકાગ્રતા વધારવામાં મદદરૂપ થાય છે.
શરીરને ઠંડક આપે છે
દહીં અને ખાંડનું કોમ્બિનેશન પેટને શાંત રાખે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં આ મિશ્રણ શરીરની ગરમીને નિયંત્રિત કરી ઠંડકનો અહેસાસ કરાવે છે.
વધુ પડતી ખાંડ ઉમેરવાથી થતું નુકસાન
ડૉક્ટર્સ ચેતવણી આપતાં જણાવે છે કે દહીંમાં વધુ પ્રમાણમાં ખાંડ ઉમેરવાથી તેના ફાયદા નાશ પામે છે. વધુ ખાંડ પેટના ખરાબ બેક્ટેરિયાને પોષણ આપે છે, જેનાથી આંતરડાનું સંતુલન બગડી શકે છે. આ સિવાય તેનાથી વજન વધવાનું અને બ્લડ શુગર અચાનક વધી જવાનું જોખમ પણ રહે છે.
કોણે સાવચેત રહેવું જોઈએ?
ડાયાબિટીસ (મધુપ્રમેહ) ના દર્દીઓ, વજન ઘટાડવાની કોશિશ કરી રહેલા લોકો અને આંતરડાની લાંબી બીમારી ધરાવતા દર્દીઓએ દહીં-ખાંડ ખાવાનું ટાળવું જોઈએ. આવા લોકો સાદું દહીં ખાઈ શકે છે અથવા મીઠાશ માટે ખાંડના સ્થાને મધ, ઓર્ગેનિક ગોળ કે ફળોના ટુકડા ઉમેરીને વધુ પૌષ્ટિક વિકલ્પ અપનાવી શકે છે. રોજિંદા આહારમાં દહીં લેતી વખતે ખાંડ વગર લેવાનો આગ્રહ રાખવો વધુ હિતાવહ છે.