ચેતજો..સોનીબજારમાં સસ્તાં સોનાના નામે સ્કીમ કે સ્કેમ..?

  • August 13, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વની પ્રથમ હરોળની ગણાતી રાજકોટની સોની બજારમાં છેલ્લા ઘણા દિવસોથી દાગીનાના ભાવને લઈને વિવાદનો મધપુડો છેડાયો છે. માર્કેટમાં નક્કી થયેલા ૨૨ કેરેટના ભાવ કરતા અમુક ઝવેરીઓ દ્રારા નીચા ભાવની જાહેરાત કરી સસ્તું સોનું આપવાની મોડેસ ઓપરેન્ડી જાણીતા જવેલસો દ્રારા અપનાવવામાં આવતા અન્ય સોની વેપારીઓએ તેની સામે વિરોધ પણ દર્શાવ્યો હતો.
અત્યારે સુધી સોની બજારના એસોસિયેશન દ્રારા જે ભાવ મૂકવામાં આવતા તે ભાવથી જ દાગીના વેચાતા હતા પરંતુ અમુક શોમો દ્રારા સસ્તા સોનાના નામે પ્રત્યેક્ષ નહીં પણ પરોક્ષ રીતે ગ્રાહકો પાસેથી મૂળ ભાવ જ વસૂલી કરે છે પણ નીચા ભાવેના બહાના હેઠળ ગ્રાહકોને પરોક્ષ રીતે છેતરી રહ્યા હોય સોની બજારમાં ભારે કચવાટ ફેલાયો છે.
આથી આ બાબતે ઝવેરીઓ દ્રારા ગ્રાહકો છેતરાય નહીં અને તેમનો વિશ્વાસ અકબધં રહે તે માટે કઈ રીતે આ તફાવત દર્શાવવામાં આવે છે તેની જાણકારી સાથે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
ઝવેરીઓએ જણાવ્યું હતું કે સોનાનો ૧૦ ગ્રામનો ૨૨ કેરેટનો આજનો ભાવ ૬૪૬૫૦ છે. આ ભાવના વેચાણ ની રકમ્ પર ૩% જીએસટી અને મજુરી તથા અન્ય ચાર્જ સાથે વેચાણ થતું હોય છે. સોનાનો ભાવ સમગ્ર શહેરમાં એક જ હોય છે માત્ર મજુરી માં ફેરફાર થતો હોય છે.હાલમાં સોનાના ભાવમાં ઘટાડો થતા માંગ નીકળી છે. ઘણા સમયથી વધેલા ભાવના લીધે સોની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો અત્યારે સોનાનો ભાવ નીચે ઉતરતા ખરીદીનો કરટં વર્તાઈ રહ્યો છે પરંતુ અમુક નામાંકિત ઝવેરીઓની અન્ય પ્રોડકટમાં સેલની જેમ કિંમતી ધાતુમાં સસ્તામાં સોનુ વેચવાની છેતરામણી જાહેરાતને પગલે કયાંથી સોનુ ખરીદવું તે અંગે ગ્રાહકો પણ અસમંજનસમાં મુકાયા છે.
આથી આજકાલ દ્રારા સોની બજારમાં અલગ અલગ ઝવેરીઓ પાસેથી આ અંગે નો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કઈ રીતે નિર્ધારિત ભાવ કરતાં સસ્તું સોનુ આપી ખરીદનાર ગ્રાહક સાથે છેતરપિંડી થઈ રહી છે?, ગ્રાહકો કઈ રીતે સાચો ભાવ નક્કી કરી શકે અને જાગૃત કઈ રીતે થઈ શકે તે અંગે જાણકારી આપવામાં આવી છે.
રાજકોટની સોની બજારમાં અત્યાર સુધીમાં કયારેય ન બન્યું હોય તેવી રીતે અમુક ખ્યાતનામ વેલર્સેા દ્રારા સંગઠનના નીતિ નિયમોને અભેરાઈ પર ચડાવીને જાણે કે તેમને ત્યાં જ સોનાની ખાણ હોય એ રીતે સસ્તુ સોનુ આપવાની ભ્રામક જાહેરાતો આપીને ગ્રાહકોને ભરમાવી રહ્યા છે ત્યારે ખુદ ગ્રાહકોએ જ કઈ રીતે છેતરતા બચવુ તેના માટે ચકાસણી કરવી જોઈએ.જેમ કે, સોનાનો ભાવ સમગ્ર ભારત માં સમાન હોય છે માત્ર રાજય કે શહેર પ્રમાણે લોજીસટીકમા મંગાવવાના ખર્ચ જેટલો નહીવત તફાવત હોય છે
આથી ગ્રાહકોએ યારે આવા વેલર્સેા ને ત્યાંથી સોનુ ખરીદતી વખતે તેમની મજૂરી અને અન્ય ચાર્જ કે જે છૂપી રીત ના અનય્ ચાર્જ નાખવામાં આવે છે તે ખાસ કરીને ગ્રાહકોએ ચકાસવું જોઈએ.
આ ઉપરાંત સસ્તા ભાવમાં અમારે ત્યાંથી સોનુ મળશે આવી જાહેરાતોમાં શરતોને આધીન વિગતો આપવામાં આવી હોય છે જેમાં ખાસ કરીને ફુદેડી લગાવવામાં આવી હોય છે તે શરતો ખાસ કરીને વાંચવી જોઈએ. કારણ કે ઘણી વખત એવું બને છે કે ગ્રાહકો આવી જાહેરાત જ જોઈને શોમ પર પહોંચે છે પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે આથી તેઓએ ખરાઈ કરીને જ સોનું ( ગોલ્ડ) ખરીદવા માટે નો આગ્રહ રાખવો.
વધુમાં માર્ગદર્શન આપતા ઝવેરીઓ જણાવે છે કે સોનાના દાગીનાનો ભાવ ૧૦ ગ્રામ થી ગણવામાં આવે છે, દાગીના ની મજૂરી એક ગ્રામથી નક્કી થતી હોય છે. ૨૨ કેરેટના આભૂષણોના કાયદેસર થતા ભાવથી નીચા ભાવે સોનું મળશે તેવી જાહેરાત આપવામાં આવે છે પરંતુ તે ખરેખર શકય તે સચોટ નથી.કોઈપણ ઝવેરી ઘર જાય અને ઓસરી રહે કેવી રીતે ધંધો કરતો હોતો નથી આથી આવી જાહેરાતો આપ્યા બાદ તે અન્ય છુપા ચાર્જ જે ગ્રાહકોને ધ્યાનમાં પણ નથી આવતા હોતા તે રીતે વસૂલતા હોય છે.ગોલ્ડ અન્ય દેશમાંથી ઈમ્પોર્ટ કરવું પડતું હોય છે તો સસ્તું સોનું અન્ય કરતાં કેવી રીતે વેચી શકે કોઈપણ સોની વેપારી ખોટ ખાઈને સોનાનો ધંધો કરે તે શકય નથી. આ વાત ગ્રાહકોએ એક વખત તો વિચારવી જ જોઈએ.
બજાર કિંમત કે એસોસિએશન એ નક્કી કરેલા ભાવથી ઓછા ભાવે દાગીના વેચવાની હરીફાઈથી સોના–ચાંદી ઇન્ડસ્ટ્રીઝને પણ નુકસાન થઈ રહ્યું છે.
આગામી દિવસોમાં તહેવારો અને લગાળાની મોસમ વચ્ચે સોની બજારમાં ફલ ગુલાબી તેજી આવશે આથી આ સમયગાળામાં એસોસિએશન દ્રારા મજૂરીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું છે.
આથી ગ્રાહકોએ માત્ર એટલું જ યાદ રાખવું કે ઘડામણમાં ડિસ્કાઉન્ટ હોય છે નહિ કે સોનામાં..!!
જો ખરીદદાર વર્ગે પણ ચકાસણી કરવી જોઈએ જેમ કે એક જ ડિઝાઇન અને એક સરખા વજનના દાગીના સસ્તામાં વેચતા વેલર્સ અને અન્ય વેલર્સ પાસે તપાસ કરવી જોઈએ કે ભાવમાં કેટલો અને કઈ રીતે ફરક પડે છે.જો આ મુજબ કરે તો છેતરાતાં બચી શકશે.
રાજકોટની સોની બજારની સાથે ઝવેરીઓની એકતાના દ્રષ્ટ્રાંતો પણ દેશભરમાં નોંધપાત્ર છે ભૂતકાળમાં પણ એકસાઇઝ નાબૂદી માટે રાજકોટના સોની વેપારીઓની લડત ઐતિહાસિક રહી હતી અને આજેય કઈં પણ પ્રશ્ન હોય તો રાજકોટની ઝવેરી બજારના મજબૂત સંગઠનને યાદ કરવામાં આવે છે ત્યારે એકલ દોકલ શો મની લાલસાવૃત્તિને લઈને વેપારીઓ વચ્ચે તડા પડાવાની પેરવી સામે સોની વેપારીઓ લાલચોળ થઈ ગયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application