ઈડર, ખંભાત, તારાપુર, સોજીત્રામાં દોઢથી અઢી ઇંચ વરસાદ, લોકલ સિસ્ટમના કારણે હજુ પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

  • June 04, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાંથી વરસાદ ગાયબ થઈ ગયો છે અને જે કોઈ રાજ્યમાં અત્યારે વરસાદ પડે છે તેની માત્રા અને વ્યાપમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં ગરમી બફારા અને ભેજવાળા વાતાવરણ જેવી લોકલ સિસ્ટમના કારણે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 59 તાલુકામાં વરસાદ થયો હોવાનું કંટ્રોલ રૂમ જણાવે છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ લોકલ સિસ્ટમના કારણે હજુ વરસાદની શક્યતા છે. અરવલ્લી મહેસાણા ગાંધીનગર અમદાવાદ વડોદરા ભાવનગર સુરત જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં અઢી ઇંચ, આણંદ જિલ્લાના સોજીત્રા ખંભાત અને તારાપુરમાં દોઢથી બે ઇંચ, અમદાવાદના માંડલમાં સવા ઇંચ, મહેસાણાના ખેરાલુ માં સવા ઇચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં સવા ઈચ વરસાદ પડ્યો છે, મુળી અને સાયલામાં સામાન્ય ઝાપટા પડ્યા છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પણ ઝાપટું પડ્યું હતું. આજે સવારથી ફરી નવસારી જિલ્લામાં અને વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ જોવા મળે છે.નવસારીમાં સવારે બે કલાકમાં એક ઇંચ પાણી પડ્યું છે. ગણદેવી અને ચીખલીમાં ઝાપટા પડ્યા છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પણ ઝાપટું પડ્યું હોવાના અહેવાલો છે.


દેશના અનેક રાજ્યોમાંથી વરસાદ ખેંચાઈ રહ્યો છે અને તેના કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. પશ્ચિમ બંગાળ ઓડીસામાં હિટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશ તામિલનાડુ પુડીચેરી અને કેરલામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજના પ્રમાણમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application