સર્વેશ્વર વોંકળાનું કામ ટલ્લે ચડ્યું; ખોદકામ કરતા નીચેથી ડ્રેનેજ લાઇન નીકળી, ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય

  • March 22, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં ડો.યાજ્ઞિક રોડ ઉપરના સર્વેશ્વર ચોકમાં વોંકળાનું વહેણ ડાયવર્ટ કરીને શિવમ કૉમ્પ્લેક્સ નીચેથી નીકળતો વોકળો હવે કોમ્પ્લેક્સની બાજુમાંથી પસાર થાય તે રીતે નવી વ્યવસ્થા નિર્માણ કરવા નવેસરથી ખોદકામ શરૂ કરતા ત્યાં આગળ નીચેથી જાગનાથ વિસ્તારની મેઈન ડ્રેનેજ લાઇન નિકળતા પખવાડિયું લાઇન શિફ્ટિંગમાં વિત્યું હતું, ડ્રેનેજ લાઇન શિફ્ટ કરી ફરી ખોદકામ શરૂ કર્યું ત્યાં હવે અંડર ગ્રાઉન્ડ વીજ વાયર નીકળ્યા છે જે દૂર કરવામાં હજુ એકાદ પખવાડિયું વીતી જાય તેમ છે. દરમિયાન હોળી ધૂળેટીની રજામાં ગયેલા મજુરો પણ હજુ સુધી પરત ફર્યા ન હોય કામ ટલ્લે ચડી ગયું છે. એકંદરે ચોમાસા પૂર્વે કામ પૂર્ણ થાય તેવી શક્યતા ધૂંધળી બની છે.


વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, સર્વેશ્વર ચોક વચ્ચેથી મુખ્ય ડ્રેનેજ લાઇન પસાર થતી હોવાનો કોઈને અંદાજ ન હતો, ખોદકામ કર્યા બાદ નીચે લાઇન હોવાનું માલૂમ પડ્યું હતું. દરમિયાન નજીકમાં જ પાણીની લાઇન પણ હોય ખૂબ જ ધ્યાનપૂર્વક ડ્રેનેજ લાઇન શિફ્ટ કરી હતી. ત્યારબાદ ખોદકામ આગળ ધપાવતા અંડર ગ્રાઉન્ડ વીજ વાયરો સામે આવ્યા હતા જે દૂર કરવા માટે પીજીવીસીએલ તંત્રને જાણ કરાઇ છે પરંતુ તેમાં ૧૫ દિવસ જેવો સમય વીતી જશે.


તદઉપરાંત સંતોષ ભેળની દુકાન નજીક આવેલું એક વીજ ટ્રાન્સફોર્મર શિફ્ટ કરાયું છે પરંતુ સ્કેચર્સના શો રૂમ પાસેથી વીજ વાયરો દૂર કરવાનું પણ હજુ બાકી છે.સૂત્રોએ ઉમેર્યું હતું કે હોળી-ધૂળેટીની રજામાં વતનમાં ગયેલા દાહોદ ગોધરા પંથકના મજુરો પણ હજુ પરત ફર્યા ન હોય કામની ગતિ મંદ પડી છે. જો બધું સમયસર પાર પડશે તો જ ચોમાસા પૂર્વે કામ પૂર્ણ થશે અન્યથા ચોમાસામાં વરસાદ દરમિયાન હાલત માઠી થશે તે નિશ્ચિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application