સાગઠિયાએ ત્રણ દિવસમાં બધું સગેવગે કરી નાખ્યું

  • May 31, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં છેલ્લા એક દસકા જેવા સમયથી મલાઇદાર ટાઉન પ્લાનિંગ શાખાના સર્વે સર્વાની જેમ ફરજ પર રહેલા પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાની ગઇકાલે ક્રાઇમબ્રાંચે ટીઆરપી ગેમ ઝોનના અિકાંડમાં ધરપકડ કર્યા બાદ એસીબીએ પણ સાગઠિયાએ ભ્રષ્ટ્રાચાર કરીને કેટલો માલ મલીદો બનાવ્યો છે તેની કુંડલી કાઢવા માટે તપાસમાં ઝંપલાવ્યું છે. મહાપાલિકાની સાગઠિયાની ઓફિસ તેમજ તેમના રહેણાક મકાન પર એસીબીની ટીમોએ છાપા માર્યા હતાં. કહેવાય છે કે, સાગઠિયા અતિ ચબરાક અને સર્તક હોવાના કારણે અગાઉથી જ બધુ સગેવગે કરી નાખ્યું હોય તેમ એસીબીની ટીમોને ખાસ કાંઇ હાથ લાગ્યું નથી.

ગેમ ઝોન અિકાંડમાં ગેરકાયદે બાંધકામ નહીં હટાવવાની અને ૨૭ મોત માટે આડકતરી રીતે પાપાચાર રૂપ બેદરકારી ભરી કામગીરી કર્યાના આરોપસર ગઇકાલે ક્રાઇમબ્રાંચ દ્રારા એમ.ડી.સાગઠિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણ વર્ષથી રહેલું ગેરકાયદેસર બાંધકામ નહીં હટાવવાના મામલે સાગઠિયાને ગત સોમવારે જ મહાપાલિકાના ટીપીઓના પદ ઉપરથી દૂર કરી દેવાયા હતાં. બે દિવસથી ક્રાઇમબ્રાંચે સાગઠિયાને સકંજામાં લીધા હતાં અને પુછપરછ કરાઇ રહી હતી. સાગઠિયા વિરૂધ્ધ બેદરકારીના મજબૂત પુરાવાઓ ક્રાઇમબ્રાંચને સાંપડતા ધરપકડ થઇ છે.
સાગઠિયા પોતાના ટીપી શાખાના દસ વર્ષના શાસન દરમિયાન કરોડોની મિલકતો બનાવી હોવાના આક્ષેપો કે આવી ચર્ચાઓ ચાલી છે. જેને લઇને એસીબીએ સાગઠિયાના આર્થિક કાંડો ખોલવા માટે  પણ તપાસ ચાલુ કરી છે. અમદાવાદથી આવેલી એસીબીની ટીમો દ્રારા ગઇકાલે મોડી સાંજ બાદ મહાપાલિકામાં ટીપીઓની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી ત્યાં એકાદ કલાકના સર્ચ પછી એસીબીની ટીમે યુનિવર્સિટી રોડ ઉપર સાગઠિયાના હાલના નિવાસસ્થાન અલખ ધણી નામની સાગઠિયાના સસરાના નામના આવેલા પાંચ માળના એપાર્ટમેન્ટ ઉપર પહોંચી હતી.


સાગઠિયાના ફલેટની તલાશી લેવામાં આવી હતી. એસીબીના અંગત સૂત્રોમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે, ફલેટ પરથી એવા કોઇ મજબૂત કે ઠોસ દસ્તાવેજી પુરાવાઓ મળ્યા નથી જે વસ્તુઓ અને દસ્તાવેજો મળ્યા તે બક્ષીસ અથવા ભેટમાં મળેલી અકસ્યામતોના છે. આમ સાગઠિયા અતિ ચબરાક હોવાથી એસીબીને હજુ સુધી ખાસ કાંઇ હાથ લાગ્યુ નથી. હવે સાગઠિયાના તેના પરિવારજનોના બેન્ક એકાઉન્ટો, લોકરની તપાસ થશે. એવી પણ વાત છે કે સાગઠિયાના સસરા પૂર્વ પીઆઇ હોવાથી તેઓ પણ પોલીસની અને એસીબીની કામગીરી જાણતા હોય શકે. એસીબીએ સાગઠિયા સાથે અન્ય ત્રણ સસ્પેન્ડેડ આરોપી એટીપી મકવાણા, જોષી અને ફાયર ઓફિસર વિગોરાને ત્યાં પણ તપાસ કરી હતી. તેઓના નોકરીના કાયદેસરના પગારની આવક અને વર્તમાન મિલકતોનો તાળામેળ આરંભ્યો છે

અગાઉ એસીબી ઇન્કવાયરીમાંથી પાસ થઇ ચૂકયા હોય બધુ જાણતા હશે
પૂર્વ ટીપીઓ સાગઠિયાની એવી છાપ હતી કે, કોઇ કાગળ ખાલી હાથ હલતો નહીં. તેમને બિલ્ડરો કે આવા મોટા માથાઓની મિલકતોના પ્લાન પાસ કરવા નવી બનતી ટીપીમાં જગ્યામાં અંડાગંડા કરી આપવા માટેની કસરતો કરી હતી અને જે પેટે લખલૂંટ કમાણી પણ થતી હતી. આ બધી જોકે હજુ સુધી કોઇ ચોકકસ પુરાવાઓ કે સત્તાવાર જાહેર નથી થયું ત્યાં સુધી આક્ષેપ જ ગણી શકાય. અગાઉ સાગઠિયા સામે એસીબીમાં અરજી થઇ હતી અને તેઓએ એસીબીની ઇન્કવાયરી પાર કરી હતી. જેને લઇને સાગઠિયા કદાચ એસીબીની રીત રસમો જાણતા હશે. તેમની સામે જે તે સમયે ઇન્કવાયરીમાં કોઇ કેસ બન્યો ન હતો. સાગઠિયાએ એસીબીને પણ ચોકકસ વજન મુકીને સમજાવી લીધી હતી માટે આ ઇન્કવાયરીમાંથી પાર ઉતરી ગયા હતાં કે પછી તેમના સામે આક્ષેપો પુરવાર નહોતા થયા. એસીબી એ સમયે સાગઠિયાની તપાસમાં કોઇ કારણોસર કુણી પડી ગઇ હતી ? કે મુળ સુધી જવા છતાં કઇં મળ્યુ ન હતું ? આવા સવાલો અત્યારે જાણકારોમાં ઉપસી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News