BREAKING NEWS

જામનગરમાં સરકારી કચેરીની કામગીરી અને શૈક્ષણિક કાર્યના ભાગે એસઆઇઆરની કવાયત, અરજદારો હેરાન

  • January 17, 2026 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં સરકારી કચેરીની કામગીરી અને શૈક્ષણીક કાર્યના ભોગે એસઆઇઆરની કવાયતથી અરજદારો અને વિધાર્થીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે. આ સ્થિતિમાં ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભામાં ૧૯૭ બીએલઓને મૂળભૂત કાર્યમાંી મુકિત આપવા મતદાર નોંધણી અધિકારીએ સંબધિત કચેરીના અધિકારીઓને વધુ એક વખત પરિપત્ર પાઠવ્યો છે. લોજીકલ ડીસ્ક્રીપેન્સીસ અને મેપીંગની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા ચાલી રહેલી મથામણ કારણભૂત છે. 


જામનગર સહીત રાજયભરમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણાની સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રીવીઝન(એસઆઇઆર)ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મતદારોને ઘણા સવાલ ઉભા થતા મૂંઝવણ અનુભવી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, આ કામગીરીમાં સરકારી કચેરીઓના કર્મીઓ અને શિક્ષકોનો બીએલઓ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. આથી સરકારી કચેરીઓમાં કામગીરી અને શાળાઓમાં શૈક્ષણીક કાર્ય ખોરંભે ચડ્યું છે. ફોર્મ ભર્યા બાદ મતદારોની નિયત સોફટવેરમાં બીએલઓએ નોંધણી કરવાની છે. પરંતુ આ કામગીરીમાં લોજીકલ ડીસ્ક્રીપેન્સીસ એટલે કે કોઇ મતદારનું નામ ૨૦૦૨ની યાદીમાં હોય તેમાં અટક, નામમાં ફેરફાર, સરનામામાં વિસંગતતા, જેન્ડર એટલે કે સ્ત્રી-પુરૂષ તથા પિતા-પુત્ર, દાદા-પૌત્રની ઉંમરમાં તફાવત સહીતની બાબતનો સમાવેશ થાય છે. ત્યારે બીએલઓની મથામણ અને મૂંઝવણ વધી છે. આ સ્થિતિમાં ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભામાં એસઆઇઆરની કામગીરી અંતર્ગત બીએલઓને તેઓના મતદાન મથક હેઠળ આવતા તમામ મતદારોની લોજીકલ ડીસ્ક્રીપેન્સીસ અને બીએલઓ મેપ પર મેપીંગ અંગેની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહે છે. આ રાષ્ટ્રીય કામગીરી નિયત સમયમર્યાદામાં ચોકસાઇપૂર્વક કરવાની છે.


આથી આ વિધાનસભામાં ફરજ બજાવતા ૧૯૭ બીએલઓને ૨૧ જાન્યુઆરી સુધી કચેરીની કામગીરી અને શૈક્ષણીક કાર્યમાંથી મુકિત આપવા અને તેઓને ઓનડયુટી ગણવા ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભા  મતદાર નોંધણી અધિકારીએ મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર, એસટીના વિભાગીય નિયામક, જિલ્લા શિક્ષણાધીકારી, શાસનાધિકારી અને સંબધીત કચેરીના વડાને પત્ર પાઠવ્યો છે. આટલું જ નહીં એસઆઇઆરની કામગીરીમાં બીએલઓને ઓન ડયુટી ગણી કચેરીની કામગીરીમાંથી મુકિત આપવાનો આ ચોથો પરિપત્ર છે. આમ કચેરીની કામગીરી અને શૈક્ષણીક કાર્યના ભોગે એસઆઇઆરની કામગીરીથી અરજદારો અને વિધાર્થીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. 


આમાં કયાંથી ભણે જામનગર, શિક્ષણના ભોગે કામગીરીથી સરકારી શાળાનો મૃત્યઘંટ વાગશે

 ૬ નવેમ્બરથી નવું સત્ર શરૂ થયું તેના પહેલાં દિવસથી જ સરકારી પ્રાથમિક શાળાઓના મોટાભાગના શિક્ષકો બીએલઓમાંં રોકાયા છે. ત્યારથી જ તેઓને ઑન ડ્યુટી નો આદેશ કરવામાં આવ્યો અને આ રીતે સતત આ આદેશ સમયાંતરે લંબાવવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં નવ માસિક પરીક્ષા લેવાનો આદેશ થઈ ગયો છે. મોટાભાગના શિક્ષકો બીએલઓની ફરજ પર હોય વર્ગમાં જઈ શક્યા જ નથી, ભણાવી શકયા નથી ત્યારે કોણ કોની અને શેની પરીક્ષા લે તે જોવાનું રહે છે. પોતાના હક્ક માટે બાંયો ચડાવતા શૈક્ષણીક ક્ષેત્રના યુનિયનોએ વિધાર્થીઓના અભ્યાસ મુદ્દે ચુપકીદી સાધી લીધી છે.


 રેવન્યુ તો ઠીક, શિક્ષણ વિભાગમાંથી પણ કોઈને શિક્ષણની ચિંતા નથી. કોરોના સમયનો લર્નીંગ લોસ પૂરો નથી થયો ત્યારે એસઆઇઆરની કામગીરીના કારણે થયેલો લર્નિંગ લોસ સરકારી શાળાનો મૃત્યુ ઘંટ વગાડી દેશેે. રાષ્ટ્રીય કામગીરી અત્યંત અગત્યની છે તો તેટલો સમય શાળાઓમાં આ રીતે શિક્ષકોને ઓન ડ્યુટી આપી શાળાઓ અત્યંત ઓછા સ્ટાફ સાથે ચાલુ રાખી દેખાવ પૂરતી કામગીરી કરવાના બદલે શિક્ષણની કામગીરી દરમિયાન શાળાઓમાં વેકેશન જાહેર કરી ત્યાર બાદ સત્ર ફરી શરૂ કરવું જોઈતું હતું તેવી ચર્ચા પણ જોરશોરથી વાલીઓમાં થઇ રહી છે. 


એક જ પરિવારના સભ્યોની વિધાનસભા બેઠકો બદલાઇ ગયાની ફરિયાદો
જામનગરમાં એસઆઇઆરની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી અંગે મતદારોમાં અનેક સવાલો ઉભા થયા છે. પ્રથમ તબકકામાં નિયત નમૂનામાં ફોર્મ ભર્યા બાદ ચકાસણી કરતા એક પરિવારના સભ્યોની વિધાનસભા બેઠકો બદલાઇ જવાની ફરિયાદો જોરશોરથી ઉઠી છે. શહેરમાં આંતરિક સ્થાળાતંર આખા પરિવારે કર્યું હોય એક પરિવારમાં ચાર સભ્યો હોય તો ત્રણ સભ્યોના નામ જૂના વિસ્તારમાં અને એક સભ્યનું નામ નવા વિસ્તારમાં આવતા વિધાનસભા બેઠકો બદલાઇ જતાં મતદારોમાં ભારે દેકારો બોલી ગયો છે. આ કારણોસર સંબધિત ફોર્મ ભરવા ઘસારો થયો હોવાનું પણ જાણકારોએ જણાવ્યું છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application