BREAKING NEWS

લોકમેળામાં રાઇડ્સનું સંકટ; ભાવવધારા મુદ્દે તંત્ર અને રાઈડ સંચાલકો વચ્ચે કોકડું ગૂંચવાયું ?

  • July 10, 2026 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને હવે દોઢ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે આયોજનને લઈને તંત્ર અને વેપારીઓ સામસામે આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. એક તરફ તંત્રની ધીમી ગતિને કારણે વેપારીઓમાં મૂંઝવણ છે, તો બીજી તરફ ટિકિટના ભાવ વધારાને લઈને રાઈડ સંચાલકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.વેપારીઓ જણાવી રહ્યા છે કે, હજુ સુધી તંત્ર દ્વારા ફોર્મ વિતરણ કે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી. દોઢ મહિનાનો સમય બાકી છે, ત્યારે સામાનની ખરીદી કે અન્ય આગોતરી તૈયારીઓ કેવી રીતે કરવી તે મોટો પ્રશ્ન છે. અન્ય રાજ્યોમાંથી આવતા રાઈડ સંચાલકોને મંજૂરી મેળવવામાં અને સામાન લાવવામાં ૧૫થી ૨૦ દિવસનો સમય લાગે છે, જે આ વર્ષે જોખમમાં મુકાઈ રહ્યો છે. રાઈડ સંચાલકોના આગેવાન ઝાકીરભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ વખતે ૨૦ થી ૩૦ ટકા ભાવ વધારો અનિવાર્ય છે કારણ કે, ડીઝલ અને ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં તોતિંગ વધારો થયો છે. છેલ્લા કેટલાય વર્ષોથી પ્લોટના ભાડામાં તંત્ર દ્વારા ૫ થી ૧૦ ટકાનો વધારો કરવામાં આવે છે, પરંતુ ટિકિટના દરોમાં કોઈ વધારો કરવામાં આવતો નથી. જો લોકમેળા સમિતિ ભાવ વધારો નહીં આપે, તો કોઈ પણ રાઈડ સંચાલક ફોર્મ ઉપાડશે નહીં. બીજી બાજુ, લોકમેળા સમિતિના સૂત્રોનું માનીએ તો, આ વર્ષે પણ ટિકિટ કે અન્ય કોઈ પણ વસ્તુમાં ભાવ વધારો મંજૂર કરવામાં આવશે નહીં તેવું વલણ જોવા મળી રહ્યું છે. એક તરફ સમિતિ નમતું જોખવા તૈયાર નથી અને બીજી તરફ રાઈડ સંચાલકોની હઠને કારણે લોકમેળાનું આયોજન હાલમાં અધ્ધરતાલ લટકી ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાતમ-આઠમના તહેવાર દરમિયાન યોજાતા લોક મેળા માટે અત્યાર સુધીમાં જે તૈયારીઓ પૂર્ણ થઈ જવી જોઈએ, તે હજુ થઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News