સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્ણ થયા બાદ મેયર, સ્ટે.ચેરમેન અને કમિશનરની મિટિંગ યોજા
રાજકોટ શહેરમાં આ ચોમાસે ઓછા વરસાદ વચ્ચે ડામર રસ્તાઓ અને શેરીઓમાં ખાડા તેમજ વરસાદી પાણી ભરાય રહેવાને કારણે ગારો–કીચડ, ગંદકી વિગેરેની ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે. દરમિયાન આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્ણ થયા બાદ મેયર ડો.નેહલ શુકલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા અને મ્યુ.કમિશનર તુષાર સુમેરા વચ્ચે ઔપચારિક મિટિંગ મળી હતી જે અંતર્ગત મેયર ડો.નેહલ શુકલએ ખાડા, સફાઇ વિગેરેની લોક ફરિયાદો ફટાફટ ઉકેલાય તે માટે કમિશનરને આદેશ કર્યેા હતો. ઉપરોકત મિટિંગમાં ચોમાસામાં ખાડા પુરવા તેમજ ગંદકીની સઘન સફાઇ સહિતની કામગીરી વેગવંતી બનાવવા રોજે રોજની ફરિયાદોનો રોજે રોજ નિકાલ કરવા સહિતના મુદ્દે ચર્ચા થઇ હતી. ખાસ કરીને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે સમગ્ર ચોમાસા દરમિયાન મ્યુનિસિપલ સ્ટાફ ખડેપગે કામગીરી કરે તે માટે કમિશનરને સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસથી મતલબ કે જુલાઈ મહિનાના પ્રારંભથી સમગ્ર શહેરમાં ખાડા અને ગંદકીની ફરિયાદોનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે. વોર્ડવાઇઝ કોર્પેારેટરોને તેમજ પદાધિકારીઓને પણ અનેક લોકફરિયાદો મળી રહી છે. ખાસ કરીને વ્યાજબી ફરિયાદો પણ ઉકેલાતી નહીં હોવાની બૂમ છે. મ્યુનિ.કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાયા બાદ ઉકેલાઇ ગયાના મેસેજ મળે છે પરંતુ ફરિયાદ ઉકેલાઇ ન હોય તેવું અનેક વખત બને છે. અનેક રાજકોટવાસીઓને કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આવા અનુભવ થઇ રહ્યા છે તે વાસ્તવિકતા છે