જામનગર કારખાનામાંથી પિત્તળના માલની ઉઠાંતરી

  • May 11, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાર્ડમાં બે ગોડાઉનમાંથી ૨૭૫ કીલો જીરુની ચોરી : તસ્કરો ડીવીઆર લઇ ગયા : પોલીસ દ્વારા તપાસ

જામનગરના શંકરટેકરી ઉધોગનગર જકાતનાકા પાસે આવેલા બ્રાસના કારખાનામાંથી ૧.૫૭ લાખનો પિત્તળનો તૈયાર માલ અને ડીવીઆરની ચોરી થઇ છે, જયારે હાપા યાર્ડ બે ગોડાઉનમાંથી અજાણ્યા શખ્સો કુલ ૨૭૫ કી.ગ્રા જીરુનો જથ્થો ચોરી કરી ગયા છે.  બંને સ્થળની ચોરી બાબતે ફરીયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ આદરવામાં આવી છે.
જામનગરના ખોડીયાર કોલોની કૃષ્ણનગર શેરી નં. ૬માં રહેતા બ્રાસના વેપારી કિશોર સામજીભાઇ સાંગાણીએ અજાણ્યા શખ્સ સામે સીટી-સીમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૯ના સમય દરમ્યાન જામનગરના ઉધોગનગર શંકરટેકરી, જકાતનાકા પાસે પ્લોટ નં. ૭૨ ખાતે આવેલ ફરીયાદીના પટેલ એસ્ટેટ નામના બ્રાસના કારખાનામાંથી કોઇ અજાણ્યા શખ્સો પિત્તળનો તૈયાર માલ અંદાજે ૩૫૦ કીલો જેની અંદાજે કિ. ૧.૫૭.૫૦૦ તથા કારખાના અને ઓફીસમાં લગાવેલ સીસી કેમેરાના ડીવીઆર જેની અંદાજે કિ. ૧૨ હજાર મળી કુલ ૧૬૯.૫૦૦ના મુદામાલની રાત્રીના સમય દરમ્યાન ચોરી કરી ગયા હતા, જે ફરીયાદના આધારે ઉધોગ ચોકીના પીએસઆઇ હીંગ્રોજા  તપાસ ચલાવી રહયા છે.
બીજા બનાવમાં અલીયાબાડા ગામમાં રહેતા અને હાપા યાર્ડમાં જોબવર્કનું કામ કરતા ભદ્રેશ મગનભાઇ કાસુંદ્રાએ ગઇકાલે પંચ-બીમાં અજાણ્યા ઇસમ સામે ચોરીની ફરીયાદ કરી હતી.
વિગત અનુસાર ગત તા. ૯-૪-૨૩ થી ૬-૫-૨૩ના સમય ગાળા દરમ્યાન ફરીયાદીના જે.પી. કિલનીંગ નામના ગોડાઉનમાં તથા સાહેદ અનિલભાઇ ગોકરાણીના એમ.કે. એગ્રી કોર્પોરેશન ગોડાઉનમાં અનાજ કિલનીંગનું જોબવર્ક કરતા હોય જેમાં ઉપરોકત સમય દરમ્યાન અજાણ્યા શખ્સોએ પ્રવેશીને ફરીયાદીના ગોડાઉનમાંથી ૫૦ હજારની કિંમતનું ૨૦૦ કીલો જીરુ અને અનિલભાઇના ગોડાઉનમાંથી ૧૮૭૫૦ કિંમતનું ૭૫ કી.ગ્રા. જીરુ મળી કુલ ૬૮૭૫૦નો મુદામાલ ચોરી કરી ગયા હતા જેની તપાસ પીએસઆઇ મોરી ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application