અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત આરોગ્ય અભિયાનનો 1,447 દર્દીઓએ લાભ લીધો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોટીખાવડી આરોગ્ય કેન્દ્ર દ્વારા સિક્કા સેકન્ડરી સ્કૂલ ખાતે શ્રી અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે યોજાયેલ આ કેમ્પમાં આસપાસના ગામોમાંથી 1,447 દર્દીઓએ મફત તબીબી સલાહ અને સંપૂર્ણ સારવારની સુવિધા મેળવી હતી. જામનગરના 17 પ્રખ્યાત સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ આ કેમ્પ માટે પોતાની કીમતી સેવા આપી હતી.
કેમ્પમાં તબીબી સલાહ ઉપરાંત, જરૂરી જણાય તે દર્દીઓને દવાઓનું વિતરણ, લેબોરેટરી પરીક્ષણ અને ઈસિજી પણ કરવામાં આવ્યું હતું. વિશેષ નોંધનીય છે કે, 30 દર્દીઓમાં મોતિયાબિંદ તથા 5 દર્દીઓમાં PCO (બીજા તબક્કાનો મોતિયો) માલુમ પડતાં, તેમને ‘પ્રોજેક્ટ દૃષ્ટિ’ હેઠળ જામનગર ખાતે નિ:શુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવશે. આ કેમ્પમાં નેત્ર રોગના 425, સ્ત્રી રોગોના 38, હાડકાંના રોગોના 267, ચામડીના રોગોના 254, બાળરોગના 97, નાક-કાન-ગળાના રોગોના 124 અને જનરલ ફિઝિશિયનના 267 દર્દીઓને લાભ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સમાજમાં આરોગ્યસંભાળને સરળતાથી ઉપલબ્ધ કરવાની અવિરત પ્રતિબદ્ધતા અને વધુ સ્વસ્થ સમુદાય નિર્માણ માટેની નેમને સાર્થક કરવા છેલ્લા બે દશક કરતાં વધુ સમયથી યોજાતી આ સર્વ રોગ નિદાન – સારવાર કેમ્પની પ્રવૃત્તિને શ્રી ધનરાજ નથવાણીએ વધુ સઘન અને પરિણામલક્ષી બનાવી છે.
આ વ્યાપક આરોગ્ય અભિયાનને સફળ બનાવવા સ્થાનિક ગામોના સ્વયંસેવકોની નિષ્ઠાપૂર્વકની સેવાઓ પ્રાપ્ત થઈ હતી, જેમણે દિવસ દરમિયાન આનુષાંગિક વ્યવસ્થાઓ સંભાળી અને તબીબી ટીમને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.