રાજકોટમાં ચકરડીવાળાએ દબાણ હટાવ શાખાના કર્મીઓને ભાંડી ભૂંડી ગાળો, કર્મીઓએ લાકડીથી લમધાર્યો, જુઓ Video... 

  • May 15, 2023 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





શહેરની આજી ડેમ ચોકડી પાસે ભરાતી રવિવારી ગુજરી બજારના હોકર્સ ઝોનમાં ચકરડીવાળાઓ અને લારી ગલ્લા ધારકો તેમજ પાથરણા વાળાઓના કારણે ભાવનગર હાઇવે રોડ ઉપર ટ્રાફિક જામ થવાની ફરીયાદ મળતા મહાપાલિકાની દબાણ હટાવ શાખાનો સ્ટાફ

મ્યુનિ.વિજિલન્સ પોલીસના બંદોબસ્ત સાથે સ્થળ ઉપર દોડી ગયો હતો. દરમિયાન એક ચકરડીનું દબાણ હટાવવા જતા ચકરડી વાળા સાથે માથાકૂટ થઈ હતી તે દરમિયાન ચકરડી વાળાએ ગાળો ભાંડતા દબાણ હટાવ શાખાની જીપનું ડ્રાઇવિંગ કરતા એજન્સી હસ્તકના કરાર આધારિત ડ્રાઇવરે ચકરડી વાળાને લાઠી વડે માર મારતા આજે ચકરડી વાળાઓ માર મારવા મામલે રજુઆત કરવા સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યા હતા.





ઉપરોક્ત સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા દબાણ હટાવ શાખાનો સ્ટાફ કેવો રોફ જમાવે છે તે સમગ્ર શહેરની જનતાએ નિહાળ્યું હતું. દબાણ દૂર કરવાનો અધિકાર હોય શકે પરંતુ કોઈ ગરીબને લાઠી વડે બેફામ માર મારવાનો અધિકાર હોય શકે ?! તેવા સવાલો ઉઠી રહ્યા છે. દબાણ ગેરકાનૂની હોય તે દૂર થવું જ જોઈએ પરંતુ તે માટે માર મારવાની કોઈ કાયદામાં કે નિયમોમાં જોગવાઈ નથી. વાયરલ વીડિયોમાં સાથે પોલીસના કર્મચારીઓ પણ નજરે પડે છે. ખાખીવર્દી ધારીઓએ ચકરદીવાળાને કોર્ડન કરી લીધો છે અને કરાર જન્ય ધોરણે ફરજ બજાવતો ડ્રાઇવર ચકરડીવાળાને લાઠી વડે માર મારે છે તેવા દ્રશ્યો વાયરલ વીડિયોમાં નજરે પડે છે.





જ્યારે આ અંગે દબાણ હટાવ અધિકારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે દબાણ હટાવ દરમિયાન ચકરડી વાળા એ કોન્ટ્રાક્ટર એજન્સીના ડ્રાઇવર સાથે ગાળાગાળી કરતા તે કર્મચારીએ ચકરડી વાળાને લાકડીઓ ફટકારી હતી. આ ઘટનાની જાણ થતા તેમણે કોન્ટ્રાક્ટરને તેના સ્ટાફને મારામારી નહિ કરવાની સુચના આપવા તાકીદ કરી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસમાં કે મહાપાલિકામાં પણ આજે બપોરે સુધી કોઈ લેખિત ફરિયાદ થઈ નહીં હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application