જોડીયા પંથકમાં ખાણ માફીયાઓ ફરીથી સક્રિય બનતાં પોલીસની લાલ આંખ

  • April 13, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજી નદીના પટમાં પોલીસનો દરોડો : હિટાચી મશીન-બે ડમ્પર સહિત ૪૮ લાખનો મુદ્દામાલ કબજે : ખાણ ખનીજ દ્વારા કરાતો સર્વે

જોડીયા પંથકમાં ખનીજ માફીયાઓ ફરીથી સક્રિય બનતાં જોડિયા પોલીસે લાલ આંખ કરી છે, અને આજી નદીના પટમાં દરોડો પાડી ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવાતું હિટાચી મશીન અને બે ડમ્પરો સહિત ૪૮ લાખનો મુદ્દા માલ કબજે કરી લીધો છે, જ્યારે ખાણ ખનીજ વિભાગને બોલાવીને કેટલું ખનીજ ચોરાયું, તે બાબતે સર્વે કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યવાહી અંગેની વિગતો એવી છે કે જોડિયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. રવિરાજસિંહ ગોહિલને બાતમી મળી હતી કે વહેલી સવારમાં કેટલાક ખાણ માફીઆઓ સક્રિય બન્યા છે, અને અંધારાનો લાભ લઈને ખનીજ ચોરી કરી રહ્યા છે.
ગઇકાલે સવારે જોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફે પહોંચી જઇ ઓચિંતો દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન અશોક દેવીપૂજક નામના એક લીઝ ધારક દ્વારા પોતાની લીઝમાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વિના અથવા તો લીઝ ના બહારના ભાગમાંથી ગેરકાયદે રીતે ખનીજની ચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. એક હીટાચી મશીનની મદદથી બિનઅધિકૃત રીતે બે ડમ્પરોમાં મોટાપાયે ખનીજ ચોરી કરાતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
 જેથી જોડીયા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી એક હિટાચી મશીન અને બે ડમ્પરો સહિત રૂપિયા ૪૮ લાખનો મુદામાલ જપ્ત કરી લેવાયો હતો. આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગને જાણ કરીને તેઓની ટીમને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને લીઝ ધારક દ્વારા કેટલું ગેરકાયદે ખનીજ ખોદી લેવામાં આવ્યું છે, તેનું સર્વે કરવામાં આવી રહ્યું છે. જોડીયા પોલીસની આ કામગીરીને લઈને ખાણ માફિયાઓમાં નાશભાગ મચી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application