સામાકાંઠા વિસ્તારમાં ચંપકનગરમાં 1.62 કરોડની ચાંદી ચોરીના ચકચારી બનાવમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમની તપાસ દરમિયાન કુલ 111 કિલો ચાંદી કબજે થયું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ સમગ્ર ચોરીના સૂત્રધાર ગણાતા દાંતીવાડાના બુટલેગર રતનસિંહને મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી લઇ તેની આકરી સરભરા કરી હતી. રતનસીંગ અગાઉ રાજકોટમાં સોની બજારમાં કામ કરતો હોય તેણે જ ચોરી અંગે ટીપ આપ્યાની શંકાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસે આ ચોરી પ્રકરણમાં રતનસીંગને આસરો આપનાર ઇન્દોરના વાઇનશોપ સંચાલકને પણ ઉઠાવી લીધો છે ચોરીમાં તેની ભૂમિકા છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ પ્રકરણની સત્તાવાર વિગતો સાંજે જાહેર કરવામાં આવશે.
ચોરીના બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ રાજકોટમાં રૈયા સર્કલ પાસે રામેશ્વર પાર્ક-૧ માં રહેતા મૂળ પડધરીના વિમાસણ ગામના વતની અતુલભાઈ બુસાએ પેડક રોડ પર ચંપકનગર-૧ માં બીપીનભાઈના મકાનમાં શક્તિ સિલ્વર નામની પેઢી શરૂ કરી હોય ત્યાંથી રૂપિયા 1.62 કરોડની ચાંદી ગત મંગળવારે રાત્રિના ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી.
ચોરીના આ બનાવને લઇ જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બોટાદના જારીયા ગામેથી રાજુ ભોજક નામના બુટલેગરને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર સાથે ઝડપી લીધો હતો. જેની પૂછતાછમાં દાંતીવાડાના રતનસિંહ નામના બુટલેગર સાથે મળી ચોરીનો પ્લાન બનાવ્યાનું કબૂલ્યું હતું. ચોરીની ઘટનાને અંજામ આપી જારીયા ગામે જ ભાગ બટાઈ કરી હતી. જેમાં રાજુના ભાગમાં 31 કિલો ચાંદી આવી હતી. આ કબુલાતના આધારે પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી અને અહીં ઇન્દોરમાંથી ચોરીના સૂત્રધાર ગણાતા રતનસિંહ અને ઇન્દોરમાં તેને આસરો આપનાર વાઇન શોપ સંચાલકને પણ ઝડપી લઇ રાજકોટ લાવવામાં આવ્યા હતાં.
સૂત્રધાર રતનસિંહની પ્રાથમિક પુછતાછમાં તે અગાઉ રાજકોટમાં સોની બજારમાં નોકરી કરતો હોય જેથી તેણે ચોરીના બનાવની ટીપ આપી હોવાની શંકા સેવાઇ રહી છે. જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વેપારી સહિત બેને ઝડપી ૮૦ કિલો ચાંદી કબજે કર્યું
કરોડની ચાંદી ચોરીના આ પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. અમદાવાદ પોલીસે પ્રદીપ પ્રજાપતિ નામના શખસને પકડી અગાઉ 40 કિલો ચાંદી કબજે કર્યું હતું. બાદમાં મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન એક બુલિયન વેપારીના નરોડા સ્થિત ઘરેથી વધુ 30 કિલો ચાંદી અને ઓગાળી નાખેલ 10 કિલો ચાંદી કબજે કરી મંગુસિંહ નામના વેપારીને ઝડપી લીધો છે. ઝડપાયેલા આ બંને શખસોને મુકેશ પ્રજાપતિએ ચાંદી આપી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ત્યારે અમદાવાદ પોલીસ મુકેશ પ્રજાપતિને ઝડપી લેવા તપાસમાં લાગી છે.