ઉદયપુરમાં ગઈકાલે અરવલ્લીની પહાડીઓ વચ્ચે સાઉથ સ્ટાર્સની શરણાઈઓના સૂર ગુંજ્યા હતા. વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાના એક દિવસમાં બે પરંપરાથી લગ્ન થયા હતા. આ માટે સાઉથમાંથી ઘણા પંડિતો બુધવારે જ વેડિંગ વેન્યુ હોટેલ મેમેટોસ એકાયા પહોંચી ગયા હતા. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ સાથે જ બંનેએ સુંદર કેપ્શન પણ આપ્યા છે. કાંજીવરમ સાડીમાં રશ્મિકા અને સફેદ ધોતીમાં વિજયે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
હોટેલને ગુલાબ, ઓર્કિડ અને ટ્યૂલિપ્સથી શણગારવામાં આવી હતી. મંડપને મોટા કાચા કેળાના પાનથી શણગારવામાં આવ્યો હતો. ઉદયપુરના આલીશાન પેલેસમાં ગઈકાલે સવારે 10:10 કલાકે હિન્દુ રીતિ-રિવાજો મુજબ લગ્ન વિધિ કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે બંનેના પરિવારના સભ્યો અને અત્યંત નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. બંનેના ટ્રેડિશનલ લુકની તસવીરો જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આંખે જોનારાઓનું કહેવું છે કે- લગ્નમાં વરમાળા સમારોહ દરમિયાન રશ્મિકા અને વિજય બંનેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને લાગણીઓ પણ છલકાઈ ગઈ હતી.