દેવાધિદેવ મહાદેવની ઉપાસનાના પરમ પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે ત્યારે આજી નદીને કાંઠે આવેલા રાજકોટના રાજા એવા સ્વયંભુ રામનાથ મહાદેવના દર્શનાર્થે રાજકોટવાસીઓ ઉમટી પડ્યા છે પરંતુ પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે શ્રાવણ માસમાં પણ રામનાથ મહાદેવ મંદિર ફરતે ગંદકીના ગંજ અને બેફામ દુર્ગંધ યથાવત રહેતા ભક્તજનોમાં નારાજગીની લાગણી પ્રસરી ગઇ છે. કેટલાય શ્રાવણ આવ્યા ને ગયા અને કેટલાય શાસકો ને અમલદારો આવ્યા ને ગયા પરંતુ રામનાથ મહાદેવ મંદિર ફરતેની ગંદકી દૂર કરવામાં તેમજ મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં સૌ નિષ્ફળ રહ્યા છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો ત્યારે એક તબક્કે તો રાજકોટ મહાપાલિકાએ એવું જાહેર કર્યું હતું કે રાજકોટમાં વારાણસીની જેમ તેની જેવો જ રામનાથ કોરિડોર બનશે!! આવી વાતોના વડા કરીને બેફામ પ્રસિધ્ધિ મેળવાઇ હતી. કોરિડોર બનાવવાનું તો દૂર રહ્યું રામનાથ મહાદેવ મંદિર ફરતેની ગંદકી અને દુર્ગંધ પણ મહાપાલિકા તંત્ર દૂર કરી શક્યું નથી.
રૂ.147 કરોડના ખર્ચે આજી નદીમાં રિટેઇનિંગ વોલ બનાવીને નદીનું વ્હેણ ડાયવર્ટ કરવા નીકળેલું મહાપાલિકા તંત્ર બીજું કંઇ ન કરી શકે તો ફક્ત શહેરની ડ્રેનેજ લાઇનનું ગંદુ પાણી આજી નદીમાં છોડવાનું બંધ કરે તેમજ મંદિરના રસ્તે અને મંદિર ફરતે દરરોજ નિયમિત સફાઇ કરાવે તો પણ રામનાથ મહાદેવ મંદિર ફરતે સ્વચ્છતા જળવાશે. આજી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ અને રામનાથ કોરિડોર પ્રોજેક્ટની વાતો સાંભળીને હવે રાજકોટવાસીઓ થાકી ગયા છે. ફક્ત વાતોના વડા જ થાય છે, કામ થતું નથી, નહીં તો રામનાથ મહાદેવ મંદિરની આવી હાલત ન હોય ! મહાપાલિકાના શાસકો અને તંત્રવાહકોએ રામનાથ મહાદેવ મંદિર ફરતે કેવી રીતે અને શું કરવાનું આયોજન છે તેની વિગતો એટલી વખત જાહેર કરી છે કે હવે દરેક રાજકોટવાસીને તે આયોજન કંઠસ્થ થઇ ગયું છે પરંતુ આજ દિવસ સુધીમાં તેમાંથી થયું કંઇ નથી.
અગાઉ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડને રામનાથ મહાદેવ મંદિર જિર્ણોદ્ધાર પ્રોજેક્ટ સોંપાયો તેણે થોડું ઘણું કામ કર્યું પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં બોર્ડ મહદ અંશે નિષ્ફળ રહ્યું ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાને આ પ્રોજેક્ટ સોંપાયો પરંતુ મહાનગરપાલિકા એ તો કંઇ જ ઉકાળ્યું નહીં !! અને બોર્ડને સારૂ કહેવડાવ્યું. મહાનગરપાલિકાના શાસકો અને તંત્રવાહકોને રામનાથ મહાદેવ સદબુધ્ધિ આપે અને જો તેઓ શ્રાવણ માસમાં એકાદ વખત રામનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જાય તો તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદી હુમલા બાદ દેશનું લોહી ઉકળી રહ્યું છે, દુનિયા ભારત સાથે, પીડિતોને ન્યાય મળશેઃ PM મોદી
April 27, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech