સ્વામીનારાયણ સંપ્રદાયના રામકૃષ્ણદાસ સ્વામીના ભગવાન દ્વારકાધીશ સામેના કથીત ઉચ્ચારણોના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં હિન્દુ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે, દ્વારકાની કૃષ્ણનગરીમાં ગુગ્ગળી બ્રાહ્મણ સહિતના હિન્દુ સંગઠનોએ રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું, ત્યારબાદ જામનગરમાં ગઇકાલે હિન્દુઓના ઉગ્ર રોષ વચ્ચે ૫૦૫ ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત જામનગર અને આહીર સેના ગુજરાત દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અમારી લાગણીઓની ઠેંસ પહોંચાડી છે જેથી આ અંગે જવાબદારો સામે પગલા લેવા પણ માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર પહેલા એક રેલી ઓશવાળ સેન્ટર પાસેના સંતોષી માતાજીના મંદિરેથી નિકળી હતી અને કલેકટર કચેરીએ પહોંચી હતી, જેમાં હિન્દુ સંસ્થાઓના અનેક કાર્યકરો જોડાયા હતાં.
૫૦૫ ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અવારનવાર સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે વિવાદીત ટીપ્પણી કરવામાં આવે છે અને અમારી ધાર્મિક આસ્થાને ઠેંસ પહોંચાડીને સનાતન ધર્મને નીચો બતાવવામાં આવે છે. અમારા ઇષ્ટદેવ રાજાધીરાજ દ્વારકાધીશ અને એમની પુજા કરતા ગુગ્ગળી બ્રાહ્મણ વિશે વિવાદીત ટીપ્પણીઓ કરી અમારી આસ્થા અને લાગણીને ઠેંસ પહોંચાડી છે, અમોને ધનના લાલચુ જેવા શબ્દો વાપરીને દ્વારકાધીશની પુજા કરતા બ્રાહ્મણોનું અપમાન કરીને વધુ એક વિવાદ ઉભો કર્યો છે.
આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે, સ્વામીનારાયણના સ્વામીઓ જે પુસ્તકના આધારે કથા કરે છે તે સનાતન ધર્મના માન્ય પુસ્તકો નથી, આવા પુસ્તકો એવમ સાહિત્ય કે જે સનાતન ધર્મને ઠેંસ પહોંચાડે છે, જે તાત્કાલીક ધોરણે રદ કરવા જોઇએ, જેથી ભવિષ્યમાં આવી ભુલ ન થાય અને આ અંગે જેમણે ઉચ્ચારણ કર્યા છે તેઓ દ્વારકાધીશ સન્મુખ માફી માંગે.
આહિર સેના ગુજરાત દ્વારા પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક પુસ્તકો અને કેટલાક સંતોના જાહેર નિવેદનોમાં હિન્દુ ધર્મના દેવી-દેવતા અને ભગવાન દ્વારકાધીશ વિશે અપમાનજનક અને વિવાદીત લખાણો પ્રકાશીત કરવામાં આવ્યા છે, આહિર સમાજ અને હિન્દુ સમાજ આ લખાણો અને નિવેદનનો ઉગ્ર વિરોધ નોંધાવે છે. આ નિવેદન માત્ર હિન્દુ ધર્મની ભાવનાઓને આફત નથી કરતું પરંતુ દ્વારકાનગરી જે સમગ્ર હિન્દુ સમાજ માટે શ્રઘ્ધા અને આસ્થાનું પ્રતિક છે તેના મહત્વને ઓછુ કરવા માટે જાણીજોઇને આવું કરાયું છે. અમારી માંગણીમાં વિવાદીત પુસ્તકમાંથી આપતીજનક લખાણ તાત્કાલીક દુર કરવામાં આવે અને આપણા ધાર્મિક પ્રતિકોની અવગણના કરનાર વ્યકિતઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવી કોઇપણ વિવાદાસ્પદ સામગ્રીના પ્રસારને અટકાવવા માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.
ગઇકાલે કૃષ્ણપ્રેમી ધર્મપ્રેમી સંસ્થા, ગુગ્ગળી બ્રાહ્મણ ૫૦૫ જામનગર, આહિર સેના ગુજરાત, મહાદેવ મીત્ર મંડળ, શિવ સેના, સતવારા સમાજ યુવક મંડળ, રામ બજરંગ દળ, હિન્દુ સેના, હિન્દુ મહાસભા, રાજા મેલડી મિત્ર મંડળ, ભગવા સેના સમસ્ત કોળી સમાજ સહિતના સંગઠનોના અગ્રણીઓ હાજર રહ્યા હતાં જેમાં તક્ષશીલા દરેડના ટ્રસ્ટી ગુણવંતભાઇ ભટ્ટ, બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, શહેર પ્રમુખ અને શાસક પક્ષના નેતા આશીષ જોશી, હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટ, શિવ સેનાના દિલીપભાઇ આહીર, મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઇ વ્યાસ, ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ પ્રમોદભાઇ ઠાકર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.