BREAKING NEWS

રાજકોટના હેર સલૂનના સંચાલક સાથે સસ્તી લોનના નામે 32 લાખની છેતરપિંડી

  • January 13, 2026 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેરમાં ઉમિયા ચોક આકાશદીપ મેઈનરોડ પર હેર સલૂન ચલાવતા સંચાલકને સસ્તા વ્યાજે કરોડો રૂપિયાની લોન અપાવવાની લાલચ આપી 32.45 લાખ ચીટરોએ ખંખેરી લીધાની ધટનાએ ચકચાર જગાવી છે ત્યારે ઉત્રાણ પોલીસ મથકે રાજકોટના હેર સલૂન સંચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટના માધાપર ચોકડી પાસે ક્રાંતિવીર ટાઉનશીપમાં રહેતા ભવ્ય મનસુખભાઈ વિઠલાપરા ઉ. 24 વાળા ઉમિયાચોક, આકાશદીપ મેઈન રોડ પાસે જુલી હેર સલૂન નામે દુકાન ધરાવતા હોય આ દરમિયાન સલૂન પર આવનાર કાર્તિક હસમુખભાઈ બાવીશી સાથે તેમનો પરિચય થયો હતો જેથી કાર્તિકે પોતે જમીન–મકાનની દલાલી કરતો હોવાનું જણાવી કઈક મોટું સાહસ કરવા પ્રોત્સાહિત કર્યો હતો.

તેમજ સસ્તા વ્યાજે કરોડોની લોન અપાવવાની વાત કરી વિશ્વાસમાં લીધા બાદ લોન પ્રક્રિયા માટે કાર્તિક, ભવ્ય વિઠલાપરાને સુરત લઈ ગયો હતો, જ્યાં મોટાવરાછા વિસ્તારના પાટીદાર ચોકમાં રહેતા રસિક ઉર્ફે આર.કે. સાથે મુલાકાત અને પરિચય કરાવ્યો હતો.

ત્યારબાદ વધુ વિશ્વાસ દેવડાવવા માટે મુંબઈમાં રહેતા શોયેબ અને આયુષ અગ્રવાલ સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો. આ લોકોએ માત્ર 4 ટકા વ્યાજ દરે સાત કરોડની લોન મંજૂર કરાવવાની વાત કરી હતી.

આ પ્રક્રિયામાં વકીલ ફી, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, બોર્ડ ચાર્જ સહિતના બહાનાં હેઠળ સમયાંતરે નાણાંની માંગણી કરવામાં આવી. ભવ્ય વિઠલપરાએ આંગડિયા પેઢી તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે વારંવાર રકમ ચુકવી હતી. એટલું જ નહીં, પોતાની કાર પણ ગીરવે મુકવામાં આવી હતી.ફરિયાદ મુજબ કાર્તિક બાવીશીને 2.60 લાખ, રસિક ઉર્ફે આર.કે.ને 4.30 લાખ અને શોયેબ તથા આયુષ અગ્રવાલને કુલ 25.55 લાખ ચૂકવાયા હતા.

આમ કુલ 32.45 લાખની રકમ લોનના નામે પડાવી લેવામાં આવી હતી. લાંબા સમય સુધી લોન અંગે પૂછપરછ કરવા છતાં કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા અંતે ભવ્યએ કાર્તિક બાવીશી, રસિક ઉર્ફે આર.કે. વિનુભાઈ ખેની તેમજ શોયેબ અને આયુષ અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મોટા વરાછાના આર.કે.એ ‘બ્લેકના નાણાં વ્યાજે મળશે’ એવી વાતો કરી ભવ્યને ભ્રમમાં મૂક્યો હતો અને મુંબઈની હોટલમાં મળાવી મોટા લોકોના નામે વિશ્વાસ લોનના નામે લાખો રૂપિયા પડાવી લેતા અને લોન પાસ ન થતા છેતરાયાનું ધ્યાને આવતા આ અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application